રાજકોટમાં હિટ એન્ડ રનની બે ઘટનામાં બેનાં મોત

રાજકોટમાં હિટ એન્ડ રનની બે ઘટનામાં બેના મૃત્યુ નિપજ્યા છે. કણકોટના પાટીયા પાસે ડમ્પરે મોપેડને હડફેટે લેતા સિક્યુરીટીમેનનું અને સંત કબીર રોડ નજીક બાઇક હડફેટે લેતા વૃધ્ધનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ વીરડા વાજડી ગામે ભાડે રહેતા અને સિક્યુરીટીમેન તરીકે નોકરી કરતાં વાલાભાઇ બોચર (ઉ.વ.૫૦) મોપેડ પર જઇ રહ્યા હતા ત્યારે કણકોટના પાટીયા પાસે અજાણ્યા ડમ્પરના ચાલકે તેમને હડફેટે લેતા ગંભીર ઇજા થતાં સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું. તાલુકા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
બીજા બનાવમાં સંતકબીર રોડ પર ત્રિવેણી સોસાયટી શેરી નં.૧માં જમાઇ સાથે રહેતા મુળ કાલાવડના નાગાજારના હમીરભાઇ માલા (ઉ.વ.૮૫) ઘરેથી દુકાને જઇ રહ્યા હતા ત્યારે ત્રિવેણી ગેઇટ પાસે રસ્તો ઓળંગતી વખતે અજાણ્યા બાઇક ચાલકે તેમને હડફેટે લેતા ઇજા થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. બી ડીવીઝન પોલીસે મૃતકના જમાઇ રામભાઇની ફરિયાદ પરથી ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.