રાજકોટના એરપોર્ટને મળી નવી ચાર ફ્લાઈટ
રાજકોટની ભાગોળે બનેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટના કારણે રાજકોટને વધુ ચાર ફલાઈટ મળી છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા રાજકોટ એરપોર્ટનું 29મી ઓકટોબરથી 30મી માર્ચ સુધીનું શિયાળુ સમયપત્રક જાહેર કરવામાં આવ્યું હતું. એરપોર્ટ ઓથોરિટી સુત્રોના જણાવ્યા મુજબ, રાજકોટ એરપોર્ટ ઉપરથી હાલ દિલ્હી, મુંબઈ, ગોવા, ઈન્દોર, બેંગ્લોર, ઉદયપુર અને સુરતની કુલ 13 ફલાઈટ આવા ગમન કરે છે.
29મીથી દિવાળીના તહેવારોના પગલે રાજકોટ-મુંબઈ વચ્ચે સવારે અને બપોરે બે ફલાઈટ વધારવામાં આવી છે. આ સિવાય રાજકોટ-મુંબઈ વચ્ચે એક ફલાઈટ 8મી નવેમ્બરથી 22મી નવેમ્બર વચ્ચે તહેવારો દરમિયાન અઠવાડિયે ત્રણ દિવસ શરૂ કરવામાં આવનાર છે. મુંબઈની બે નવી ફલાઈટ શરૂ થતા રાજકોટ-મુંબઈ વચ્ચે સવારે 8.10 વાગ્યાથી સાંજે 7.10 સુધીમાં કુલ સાત ફલાઈટ ઓપરેટ થશે.
જ્યારે રાજકોટ-દિલ્હી વચ્ચે પણ હાલ રોજ સાંજે બે ફલાઈટ છે તે વધારીને ચાર કરવામાં આવી છે અને સવારે 29મીથી 7.30 વાગ્યે અને બપોરે 1.45 વાગ્યે દિલ્હી-રાજકોટ-દિલ્હીની બે નવી ફલાઈટ શરૂ કરવામાં આવી છે. આમ રાજકોટ-મુંબઈ વચ્ચે રોજની છ ઉપરાંત 8 થી 11 વચ્ચે અઠવાડિયામાં ત્રણ દિવસ એક ફલાઈટ શરૂ થશે.
જ્યારે દિલ્હીથી ચાર દૈનિક ફલાઈટ 29મીથી ઓપરેટ થશે. આ ઉપરાંત દરરોજ ઈન્દોર-રાજકોટ-ઉદયપુર અને ઉદયપુર-રાજકોટ-ઈન્દોર ફલાઈટ પણ ચાલી રહી છે. જ્યારે રાજકોટ-ગોવા વચ્ચે અઠવાડિયામાં ત્રણ દિવસ, રાજકોટ-પુના વચ્ચે અઠવાડિયામાં ત્રણ દિવસ અને રાજકોટ-સુરત વચ્ચે ડેઈલી તેમજ રાજકોટ-બેંગ્લુરૂ વચ્ચે એક ફલાઈટ કાયમી ચાલે છે.