Rajkot: હ્રદય રોગના હુમલાનો હાહાકાર, બે યુવાન સહિત પાંચના ધબકારા થંભી ગયા
રાજકોટ: કોરોના મહામારી બાદ યુવાનોમાં હાર્ટ એટેકના લીધે અચાનક મૃત્યુનો આંકડો વધી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે. રાજકોટ સહિત ગુજરાતમાં હાર્ટ એટેકના કારણે મૃત્યુઆંકમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આજે પણ રાજકોટમાં હાર્ટ એટેકના કારણે કારખાનેદાર સહિત 5 લોકોના ધબકારા થંભી ગયા હતા. શહેરના રણછોડનગરમાં રહેતા અને ઇમિટેશનના કારખાનાના માલિક વિપુલ રામાણી (43) આજે સવારે પોતાના ઘરે બેહોશ થઈ જતાં તાત્કાલિક હોસ્પિટલમાં રવાના કરવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમણે મૃત જાહેર કર્યા હતા.
બીજા એક બનાવમાં ગ્રીન લેન્ડ ચોકડી પાસે લાલપરીમાં રહેતા શૈલેષભાઈ દિનેશભાઈ ગોવાણી (37) પોતાના ઘરે હતા ત્યારે સાંજના 5:30 વાગ્યાના સુમારે હાર્ટ એટેક આવતા તેઓ બેભાન થઈને ઢળી પડ્યો હતો. યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.
માર્કેટીંગ યાર્ડ પાછળ મંછાનગરમાં રહેતા મેરૂભાઈ રાજભાઈ લુણી (41) પોતાના ઘરે હતા ત્યારે મોડીરાત્રે બેભાન થઈને ઢળી પડ્યા હતા. યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મેરૂભા લુણીને હ્રદયરોગનો હુમલો આવતા મૃત જાહેર કર્યા હતા.
ચોથા બનાવમાં રાજકોટમાં રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે સોમનાથ સોસાયટીમાં રહેતા રમેશભાઈ રણછોડભાઈ મહેતા (53) અને પાંચમા બનાવમાં ભીસ્તીવાડ વિસ્તારમાં રહેતા રુકસાનાબેન શાજીદભાઈ જુણાચ (40) પોતાના ઘરે સવારે સુતા હતા, ત્યારે નિંદ્રાધીન પરિણીતાને હૃદયરોગનો હુમલો આવતા ઢળી પડ્યા હતા અને સારવાર મળે તે પહેલા જ તેને દમ તોડી દીધો હતો.