Rajkot ગેમ ઝોન અગ્નિકાંડ અંગે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે ગુજરાત સરકારને ઘેરી, કહ્યું દુર્ઘટના માટે ઢીલી નીતિ જવાબદાર
નવી દિલ્હી : રાજકોટમાં(Rajkot) ગેમ ઝોન અગ્નિ કાંડમાં અત્યાર સુધી 32 લોકોના મૃત્યુ થયા છે. જે અંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ(Mallikarjun Kharge) શોક વ્યક્ત કર્યો છે. તેમણે શનિવારે કહ્યું હતું કે આ મામલે શક્ય તેટલી વહેલી તકે જવાબદારી નક્કી થવી જોઈએ અને ગુનેગારોને સખતમાં સખત સજા મળવી જોઈએ. રાજ્ય સરકારના બેદરકારીભર્યા વલણને કારણે આવી ઘટનાઓ બની રહી હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. રાજકોટ શહેરના ‘ગેમિંગ ઝોન’માં શનિવારે સાંજે લાગેલી ભીષણ આગમાં બાળકો સહિત ઓછામાં ઓછા 32 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા છે.
ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની કામના
મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું કે “ રાજકોટ, ગુજરાતના ગેમિંગ ઝોનની ભયાનક દુર્ઘટના અત્યંત પીડાદાયક છે. સમાચાર અનુસાર, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 24 લોકોના મોત થયા છે, જેમાં ઘણા માસૂમ બાળકો પણ સામેલ છે. અમે પીડિતોના પરિવારો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ.
રાજ્ય સરકાર પર બેદરકારીનો આરોપ
ખડગેએ આક્ષેપ કર્યો હતો કે ગુજરાત સરકારની ઢીલી નીતિના કારણે આવા અકસ્માતો થતા રહે છે અને નિર્દોષ લોકો જીવ ગુમાવે છે. સરકાર પાસે અમારી માંગ છે કે અકસ્માતમાં વહેલી તકે જવાબદારી નક્કી કરવામાં આવે અને દોષિતોને કડકમાં કડક સજા આપવામાં આવે.
બાળકો સહિત અનેક લોકોના મૃત્યુના સમાચાર ખૂબ જ દુ:ખદાયક : રાહુલ ગાંધી
આ ઉપરાંત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું કે ” ગુજરાતના રાજકોટના એક મોલના ગેમિંગ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં માસુમ બાળકો સહિત અનેક લોકોના મૃત્યુના સમાચાર ખૂબ જ દુ:ખદાયક છે. હું તમામ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. હું આશા રાખું છું કે તમામ ઘાયલો જલ્દી સ્વસ્થ થઈ જાય.
તમામ શોકગ્રસ્ત પરિવારોને ઝડપી ન્યાય આપે તેવી અપેક્ષા
કોંગ્રેસના કાર્યકર્તાઓને રાહત અને બચાવ કાર્યમાં વહીવટીતંત્રને શક્ય તમામ મદદ કરવા વિનંતી કરૂ છું અને ગુજરાત સરકાર અને વહીવટીતંત્ર આ ઘટનાની ઝીણવટભરી અને નિષ્પક્ષ તપાસ કરે અને તમામ શોકગ્રસ્ત પરિવારોને ઝડપી ન્યાય આપે તેવી અપેક્ષા છે.