‘નીચેના અધિકારીને ફરજ સોંપવાથી જવાબદારીથી છૂટી શકાય નહિ!’ અગ્નિકાંડ મામલે RMC પર હાઇકોર્ટ લાલધુમ
અમદાવાદ: મે મહિનામાં રાજકોટના કાલાવડ રોડ નજીક TRP ગેમઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડમાં 27 લોકોના જીવનો ભોગ લેવાયો છે. અગ્નિકાંડ દુર્ઘટનાને લઈને આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં હાથ ધરવામાં આવી હતી. કોર્ટે મ્યુનિસપિલ કોર્પોરેશન દ્વારા મ્યુનિસિપલ કમિશનરનું બચાવ કરતું રજૂ કરાયેલા સોગંદનામાને ફગાવીને આકરા અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે મ્યુનિસિપલ કમિશનરે પોતાની નિષ્ફળતા સ્વિકારીને કોર્ટની માફી માગવી જોઇએ.
અગ્નિકાંડ દુર્ઘટનાને લઈને આજે ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલની બેચમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં અગાઉની સુનાવણી દરમિયાન માંગવામાં આવેલા કમિશ્નરના જવાબને એફીડેવીટ દાખલ કરી રજૂ કરવામાં આવ્યો હતો. હાઇકોર્ટમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને રજૂ કરેલ સોગંદનામામાં મ્યુનિસિપલ કમિશનરનો બચાવ રજુ કરતાં કોર્ટે આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે નીચેના અધિકારીને ફરજ સોંપી દેવાથી પોતે જવાબદારીમાંથી છટકી શકે નહિ. સંસ્થાના વડા તરીકે તમામ જવાબદારી તેની જ છે.
આ પણ વાંચો : અગ્નિકાંડ બાદ ઇતિહાસની સૌથી મોટી ભરતી કરશે રાજકોટ મનપા: 428 જેટલી જગ્યાઓ ભરાશે…
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવેલ સોગદંનામાંને હાઇકોર્ટે અસ્વીકાર કરીને ફગાવી દીધું હતું. કોર્ટે પોતાના હુકમનો અનાદર અને પિડિતોના વળતર અંગેના જવાબો સમાવતું સોગંદનામુ રજૂ કરવા આદેશ કર્યો છે. આ મામલે આગામી 27 મીએ વધુ સુનાવણી હાથ ધરશે.