આમકેમ ? ખાણીપીણીના શોખિન રાજકોટની ફૂડ ઈન્ડસ્ટ્રીમાં મંદી?

સૌરાષ્ટ્રનું સૌથી ધમધમતું ને સમૃદ્ધ શહેર રાજકોટ અહીંની અવનવી ખાણીપીણી અને લોકોના શોખિન મિજાજને લીધે જાણીતું છે. અહીં ફરસાણથી માંડી આઈસગોલામાં જોઈએ તેટલી વેરાઈટી મળશે અને ગમે તેટલા મોંઘા ભાવ છતાં ખાનારા લોકો પણ મળશે. માત્ર રાજકોટ જ નહીં મોરબી, ગોંડલ જેવા શહેરોમાંથી પણ લોકો અહીં સ્પેશિયલ ખાવા અને શૉંપિંગ કરવા આવે છે. ત્યારે રાજકોટની ફૂડ ઈન્સ્ટ્રીમાં મંદી છવાય તે વાત ગળે ઉતરે તેવી નથી. જોકે મીડિયા રિપોર્ટ્સ કંઈક અલગ ચિત્ર રજૂ કરે છે. મળતી માહિતી અનુસાર સાતમ આઠમના તહેવાર બાદ રાજકોટના નમકીનના યુનીટ બંધ પડ્યા છે. શહેરમાં લગભગ 1500થી 1600 નમકીન બનાવતા યુનીટ છે. તેમાંથી 600થી 700 ખૂલ્યા જ નથી. તો હોટેલ રેસ્ટોરાં બહાર પણ લાંબી લાઈન લાગવાને બદલે ખાલીખમ જોવા મળે છે.
નમકીન માટે વપરાતા બેસન, આઈસ ફ્લોર, તેલ વગેરેના વેપારીઓ પણ આ માર ભોગવી રહ્યા છે. અનેક બેસન અને રાઈસ મીલો બંધ હોવાની રાડ બોલી રહી છે. તો હળદર, મરચાં જેવા મસાલાનો પણ ઉપયોગ ઓછો થતાં તે વેપારીઓ પણ મંદીનો ભોગ બની રહ્યા છે.
સામાન્ય રીતે ફૂડ ઈન્સ્ટ્રીને મંદી નડતી ન હોવાનું માનવામાં આવે છે. લારી-રેકડી કે રેસ્ટોરાંમાં લોકોની ભીડ ઉભરાતી જોવા મળે છે, પરંતુ અમુક પ્લેયર્સને બાદ કરતા બધાના ભાગે નફો આવતો નથી. જોકે હમણા જ નવરાત્રી અને તે બાદ દિવાળીનો તહેવાર આવશે એટલે નવરાત્રીમાં લોકો રાત્રે બહાર ખાવાનું પસંદ કરશે ત્યારે દિવાળીમાં ફરી નાસ્તાની લિજજત માણશે. આથી આશા રાખીએ કે ફૂડ ઈન્ડસ્ટ્રી ફરી બેઠી થઈ જાય.