રાજકોટ મનપાના પૂર્વ TPO સાગઠિયાની મિલ્કત અંગેની તપાસ માટે SITની રચના
રાજકોટઃ શહેરના ચકચારી અગ્નિકાંડ(Rajkot fire tragedy)માં શંકાસ્પદ ભૂમિકા ભજવનાર રાજકોટ મહાનગર પાલિકા(મનપા)ના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર(TPO) અને ભષ્ટ્રાચારી મનસુખ સાગઠીયા સામે વધુ એક ગાળિયો કસાયો છે. એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા કૌભાંડીની અપ્રમાણસર મિલ્કત અંગેની તપાસ કરવા માટે છ સભ્યોની SITની રચના કરવામાં આવી છે. બીજીતરફ કોંગ્રેસ નેતા દ્વારા ઢાંકપિછોડો કરવા અને સત્ય છુપાવવા જ સરકાર દ્વારા SITની રચના કરવામાં આવતી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
મનસુખ સાગઠીયા વિરુદ્ધ તપાસ માટે ACB દ્વારા SITની રચના કરવામાં આવી છે જેમાં છ સભ્યોની SITમાં બિપીન અહિરે અધિક નિયામક ACB અમદાવાદ, એ.કે.પરમાર મદદનીશ નિયામક ACB ગાંધીનગર, કે.એચ.ગોહિલ ઈન્ચાર્જ મદદનીશ નિયામક રાજકોટ ACB, તપાસ કરનાર અધિકારી તરીકે સુરેન્દ્રનગર ACB PI એમ.એમ.લાલીવાલા, રાજકોટ ACB PI જે.એમ.આલ, અમદાવાદ ACB કાયદા સલાહકાર વી.બી.ગુપ્તાનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે SITની તપાસમાં રાજકોટ મનપાના ભાજપના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓની સાંઠગાંઠનો આગામી સમયમાં પર્દાફાશ થશે.
આ અગાઉ ભાજપના કોર્પોરેટર હિરેન ખીમાણીયાએ સાગઠિયા સાથે મળીને જૂના બિલ્ડિંગોને નવા બતાવી ઇમ્પેક્ટમાં ખપાવી દીધા હતા. રાજકોટના પૂર્વ TPO મનસુખ સાગઠીયાએ પોતાના સર્વિસ દરમિયાન બેનામી સંપતિ વસાવી હોવાના તમામ પુરાવાઓ ACBએ એકત્ર કરી લીધા છે. ACBની પ્રાથમિક તપાસમાં રૂ. 28 કરોડની અપ્રમાણસર મિલકત સામે આવતા તેની સામે ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, SITની રચના ઢાંકપિછોડો કરવા અને સાગઠીયાની તપાસને ગોળ ગોળ ફેરવી પૂર્ણ કરવા માટે જ બનાવવામાં આવી હોવાનો આક્ષેપ કોંગ્રેસ નેતા ડૉ. હેમાંગ વસાવડાએ કર્યો હતો.
આ અગાઉ કોંગ્રેસના વિધાનસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પણ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સાગઠીયા ઉપર દોષનો ટોપલો ઢોળી મોટા મગરમચ્છોને સરકાર છાવરી લેશે. જ્યાં સુધી નોન કર્પટ અધિકારીઓને તપાસ સોંપવામાં નહિ આવે ત્યાં સુધી યોગ્ય તપાસ થઇ શકશે નહિ. ત્યારે હવે SITની તપાસમાં કોઈ વધુ નવા ખુલાસા થશે કે પછી કોંગ્રેસના આક્ષેપ સાચા સાબિત થશે તે તો સમય જ બતાવશે.