સાગઠિયા બાદ રાજકોટ મનપાના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર 1.80 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા
રાજકોટ: રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકોના જીવના ભોગ લેવાયા બાદ તપાસમાં ફાયર ઓફિસર સાગઠિયાના ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટ્યો હતો. જો કે ભ્રષ્ટાચાર જાણે લોહીમાં વ્યાપી ગયો હોય તેમ વધુ એક ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલકુમાર મારૂ 1.80 લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીએ રંગે હાથે ઝડપી લીધા છે.
રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના ઘાવ હજુ રુજાયા નથી ત્યાં એસીબીએ રાજકોટના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર 1.80 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા છે. ફરિયાદી ફાયર સેફ્ટી ફીટીંગનું કામ કરતા હોવાથી શહેરમાં એક બિલ્ડીંગમાં કરેલ ફાયર સેફ્ટી અંગેની એનઓસી મેળવવા માટે તેમણે રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના ચીફ ફાયર ઓફિસર અનિલકુમાર બી.મારૂનો સંપર્ક કર્યો ત્યારે અધિકારી મારૂએ ફરિયાદી પાસે રૂ.3,00,000 ની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદીએ અધિકારીને રૂ.1,20,000 આપી દીધા હતા અને બાકીની રકમ ચાર પાંચ દિવસમાં આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ફરિયાદીએ આ બાબતે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના પગલે એસીબીના અધિકારીઓએ રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોનની ચીફ ફાયર ઓફિસરની ઓફિસમાં પકડવા માટે જાળ બિછાવી હતી. ફરિયાદી પાસેથી લાંચના રૂ.1,80,000 રૂપિયા લેતા ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂ રંગેહાથ એસીબીની સામે ઝડપાઈ ગયા હતા.
આ પણ વાંચો : ન્યાયયાત્રા પહોંચી રાજકોટ : શક્તિસિંહ ગોહિલના સંવેદન સભામાં ભાજપ પર આકરા પ્રહારો
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડની દુર્ઘટના બાદ પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયાની તપાસ કરવામાં આવી હતી. તેની તપાસમાં અનેક મોટા ખુલાસા થયા છે. આરોપી TPO અધિકારી મનસુખ સાગઠિયાની તપાસમાં આરોપી સાથે સંકળાયેલ 3 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયા પાસેથી રૂ. 10 કરોડ 55 લાખની અપ્રમાણસર મિલકત મળી આવી છે. તપાસમાં સાગઠિયાની આવક કરતાં 410% વધુ સંપત્તિ મળી આવી છે. આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે