રાજકોટ અગ્નિકાંડનો ધખધખતો રિપોર્ટ થઈ રહ્યો છે તૈયારઃ બે દિવસમાં રજૂ કરાય તેવી સંભાવના
અમદાવાદઃ ગુજરાતના રંગીલા મનતા શહેર રાજકોટને રોકક્ડ કરતું કરનારા અગ્નિકાંડનો (Rajkot Fire case)સ્પેશિય ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)નો અહેવાલ લગભગ પૂરો થવા આવ્યો છે. જોકે આ સમિતિએ આજે એટલે કે 20મી જૂને રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કરવાનો હતો, પરંતુ હજુ બે ત્રણ દિવસનો સમય લાગી શકે છે, તેવી માહિતી સૂત્રો દ્વારા મળી છે. આ અહેવાલમાં લગભગ બે ડઝન એટલે કે 24 કરતા વધારે અધિકારીઓના નિવેદન નોંધાયા છે.
સ્થાનિક તંત્રની બેદરકારી આ અહેવાલમાં પુરાવા સાથે છત્તી થાય તેમ માનવામાં આવે છે. હાલમાં કાર્યરત જ નહીં, પરંતુ જૂના બદલી થઈ ગયેલા અધિકારીઓ પર પણ છાંટા ઉડે તેવી સંભાવના છે. લગભગ 100 પાનાનો આ અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરવામાં આવશે.
જોકે બીજી બાજુ સુભાષ ત્રિવેદીની આગેવાનીમાં બનેલી એસઆઈટીનો કૉંગ્રેસ દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. અગાઉ કૉંગ્રેસના નેતા અને વડગામના વિધાનસભ્ય જિજ્ઞેશ મેવાણી અને સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઈએ પત્રકાર પરિષદ યોજી આક્ષેપો કર્યા હતા કે અગાઉ તક્ષશિલા અને મોરબી કાંડના કેસની તપાસની સિટ પણ ત્રિવેદીની અધ્યક્ષતામાં હતી અને આ અહેવાલમાં ખરા દોષિતોનું નામ પણ નહોતું અને કોઈપણ કાર્યવાહી પણ થઈ નથી. આ સાથે ગુજરાત હાઈકોર્ટે પણ સિટના અહેવાલની રાહ ન જોતા રાજય સરકારને ત્વરિત પગલાં ભરવાની તાકીદ કરી હતી.
25મી મેના રોજ રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં ભયાનક આગ ફાટી નીકળતા 27 જણે જીવ ગુમાવવા પડ્યા હતા, જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.