રાજકોટ અગ્નિકાંડ: RMCના 4 ભ્રષ્ટ અધિકારીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર
રાજકોટ: રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં 28 લોકોના મોત માટે જવાબદાર મનાતા રાજકોટ મનપાના ભ્રષ્ટ અધિકારીઓ સામે અંતે કાયદાનો સિકંજો કસાયો છે. છેલ્લા બે દિવસથી નજરકેદ કરાયેલા આ પૂર્વ ટીપીઓ (ટાઉન પ્લાનિંગ ઓફિસર) મનસુખ ડી. સાગઠિયા તથા તેમના અન્ય સાથી એટીપી મુકેશ મકવાણા, ગૌતમ જોષી તેમજ ફાયર બ્રિગેડના ઓફિસર રોહિત વિગોરાની ગઇકાલે ક્રાઇમબ્રાંચે ધરપકડ કરી છે. આ ચારેય સરકારી બાબુઓને આજે રિમાન્ડની માગણી સાથે આજે અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા.
આજે ટાઉન પ્લાનિંગ વિભાગ અને ફાયર વિભાગના અધિકારીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે રાજકોટ મહાનગરપાલિકાના 4 અધિકારીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડ મામલે રાજકોટ મહાનગરપાલિકાના TPO મનસુખ સાગઠીયા, ATPO મુકેશ મકવાણા, ATPO ગૌતમ જોશી, ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા.
આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડની તપાસ માટે નિમાયેલી SITએ રાજ્ય સરકારને સોંપ્યો પ્રાથમિક તપાસનો રિપોર્ટ
રાજકોટમાં ગત શનિવારે TRP ગેમઝોનમાં ભભૂકેલી આગમાં 28 જેટલી નિર્દેાષ માનવજીંદગીઓનો ભોગ લેવાયો હતો. 2021ના આરંભથી આ ગેમ ઝોનમાં સરકારી નિયમોની સરકારી બાબુઓ કે કોઇ રાજકીય માથાઓની ઓથ હોય તે રીતે કાંઇપણ કાયદાકીય હતું નહીં અને આ ગેમ ઝોન ત્રણ વર્ષ સુધી ગેરકાયદે રીતે રોજીંદી કાળી કમાણી કરતો હતો. અંતે અધિકારીઓના પાપના કારણે આ ગેમ ઝોન ગત શનિવારે તારીખ 25 મેના રોજ સળગી ઉઠયો હતો. જેમાં અનેક પરિવારના નિર્દેાષ ભૂલકાઓ, ઘરના મોભીઓ, મહિલાઓના ભોગ લેવાઇ ગયા હતાં.
અત્રે જણાવી દઈએ કે રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં આ ચારેય અધિકારીઓની ગુનાઈત બેદરકારી સામે આવી છે. ધરપકડ કરાયેલા પૂર્વ ટીપીઓ સાગઠિયાને આ બાંધકામ ગેરકાયદેસર છે તે ખ્યાલ હતો. આ ઉપરાંત તેની નીચે આવતા બે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર મુકેશ મકવાણા અને ગૌતમ જોષી પણ ગેરકાયદે બાંધકામ વિશે જાણતા હતાં. કદાચ ટીપીઓ સાગઠિયાની સૂચનાના કારણે તે બન્ને ગેરકાયદે બાંધકામ તોડી પાડવા માટે કોઇ કાર્યવાહી કરી શકયા નહીં હોય.
આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ: કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન, “27માંથી 24 પરિવારોને 93 લાખની સહાયની રકમ ચૂકવાઈ”
આવી જ રીતે કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ઓફિસર રોહિત વિગોરાએ આ ગેમ ઝોનમાં ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં આગ લાગી હતી ત્યારે આગ બૂઝાવવા માટેની કામગીરી કરી હતી પરંતુ તેમને આ ગેમ ઝોનમાં ફાયર એનઓસી છે કે કેમ તે જોવાની જરા પણ દરકાર લીધી ન હતી.