રાજકોટ અગ્નિકાંડઃ સરકાર-તપાસ સમિતિ પર કૉંગ્રેસના ગંભીર આરોપ, 25મીએ રાજકોટ બંધનું એલાન
અમદાવાદઃ રાજકોટમાં થયેલા અગ્નિકાંડવી જવાળાઓ હજુ શમી નથી. સરકાર કોઈને ન છોડવાની વાત કરી રહી છે, પરંતુ કૉંગ્રેસના સતત આક્ષેપો થઈ રહ્યા છે કે સરકારે સમગ્ર ઘટનામાં ભીનું સંકેલવાનો પ્રયત્ન કર્યો છે અને તપાસ સમિતિ પાસેથી પણ પીડિયોને કે જાહેર જનતાને ન્યાય મળતો નથી.
કૉંગ્રેસના નેતા જિજ્ઞેશ મેવાણી અને સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈએ અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે જે જગ્યાએ અગ્નિકાંડ થયો ત્યાં તપાસ થાય કે એફએસએલના નમૂના લેવાય તે પહેલા જ સમગ્ર ઘટનાસ્થળ પર બુલડોઝર ફેરવાઈ ગયું અને પુરાવાઓ નષ્ટ કરવામાં આવ્યા. આ ઘટનાસ્થળને સાફ કરવાની પરવાનગી કોણે આપી અને શા માટે આપી તે તપાસનો વિષય છે. આ સાથે નાના અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી, પણ મોટા અધિકારીઓ અને તેમને શેહ આપતા નેતાઓ સામે કોઈ પૂછપરછ પણ કરવામાં આવી નથી.
મેવાણીએ તપાસ સમિતિ પર પણ આરોપ લગાવતા કહ્યું હતું કે આ અધિકારીઓ ભાજપની છત્રછાયામાં જીવે છે અને તેઓ પાસેથી તટસ્થ તપાસની અપેક્ષા રાખી શકાય તેમ નથી. જે રીતે તક્ષશિલા, હરણીકાંડ, મોરબીની જળ હોનારતમાં જવાબદારને કોઈ સજા મળી નથી અને પીડિતોને ન્યાય મળ્યો નથી, તે રીતે આ ઘટનામાં પણ સરકાર ભ્રષ્ટાચારીઓને છાવરવા માગે છે અને ભીનું સંકેલવા માગે છે.
આ પણ વાંચો : રાજકોટ અગ્નિકાંડની જ્વાળા સરકારને વધારે દઝાડે તે પહેલા સૂચિત નવા નિયમો જાહેર
કૉંગ્રેસના સેવાદળના નેતા લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે સરકારની આ નીતિ સામે અમે લાંબી લડત લડવાના છીએ. 15મી તારીખે રાજકોટ પોલીસ કમિશનરની કચેરી બહાર ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને 25મી તારીખે એટલે કે મૃતકોની પહેલી માસિક પુણ્યતિથિએ રાજકોટ બંધ રાખવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે અમે લોકોને અપીલ કરીશું કે મૃતકોને ન્યાય મળે તે માટે તેઓ સ્વેચ્છાએ બંધ પાળે.
આ સાથે તેમણે મૃતકોના આંકડા બાબતે પણ શંકા વ્યક્ત કરી હતી. તેમના જણાવ્યા અનુસાર ગેમઝોનમાં તે દિવસે 71 જણ હાજર હોવાનું રજિસ્ટર થયું છે. અહીં 15થી 16 નેપાળી યુવાનો પણ કામ કરતા હતા. આથી સરકાર જે મૃતકોનો આંકડો દર્શાવે છે તે માની શકાય તેમ નથી.
કૉંગ્રેસના નેતાઓએ ભાજપના નેતાઓની ઝાટકણી પણ કાઢી હતી અને જણાવ્યું હતું કે અમે પીડિતો સાથે 72 કલાક ઉપવાસ પર બેઠા પરંતુ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિત એક પણ ભાજપી નેતે પીડિતોના આસું લૂછવા આવ્યા નથી. ગૃહ પ્રધાન અમિત શાહે રાજકોટ એરપોર્ટ ખાતે બેઠક બોવાલી, પણ તેમને પણ મૃતકોના સંબંધીઓને મળવાનું જરૂરી લાગ્યું નહીં. મેવાણીએ રાજ્યના જાંબાઝ અને નીડર અધિકારીને તપાસ સોંપવાની અને પીડિતોને માત્ર રૂ. ચાર લાખ નહીં પણે એક કરોડનું વળતર આપવાની માગણી કરી છે.