રાજકોટ અગ્નિકાંડઃ આરોપી પૂર્વ TPO મનસુખ સાગઠીયાના ભાઈને પણ પદ પરથી હટાવ્યા

રાજકોટઃ શહેરના ગેમઝોનમાં લાગેલી આગ અને 27 જણના મોતની ઘટના હજુ પણ કમકમાટી જગાવે તેવી છે. આ કેસની તપાસ સામે કૉંગ્રેસે સવાલો કર્યા છે ત્યારે સરકારની તપાસની સોઈ ચીફ ટાઉન પ્લાનર મનસુખ સાગઠીયા પર જઈને અટકી છે. સાગઠીયા સામે તપાસ થઈ રહી છે ત્યારે તેમના ભાઈને પણ પદ પરથી હટાવવામાં આવ્યા હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી છે.
રાજકોટમાં 25મી મેએ કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભયાનક આગ લાગવાની ઘટના બની હતી, ત્યારબાદ ભારે રાજકીય ગરમાવો આવ્યો છે. તપાસના ભાગરૂપે રાજકોટ મનપાના પૂર્વ ટાઉન પ્લાનર મનસુખ સાગઠીયાને કરતૂતો હવે તેમના અધિકારી ભાઈને પણ બચાવી શકે તેમ હોવાની સ્થિતિ હાલ સર્જાઈ છે. સરકારે મોડે મોડે શંકાના આધારે કે.ડી. સાગઠીયાને ચીફ ટાઉન પ્લાનિંગ (સીટીપી) કચેરીમાંથી હાંકી કાઢ્યા છે. મનસુખ સાગઠીયા સામે એન્ટી કરપ્શન બ્યુરોની તપાસ ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ રાજકોટના ભ્રષ્ટઅધિકારી અને પૂર્વ ટીપીઓ એમ.ડી. સાગઠીયાએ કાળી કમાણી કરીને કરોડો રૂપિયાની મિલકતો વસાવી છે. તેમને સીટીપી ઓફિસમાં એડિશનલ ચીફ ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવતા તેમના ભાઈ કે.ડી. સાગઠીયાનો કઈ કઈ ફાઇલમાં ઉપયોગ કર્યો છે તેની તપાસ થઇ શકે છે. હાલ તો કેડી સાગઠીયાને સીટીપીમાંથી ઉઠાવીને જીઆઈડીબીમાં મૂકવામાં આવ્યા છે અને તેમનો હવાલો બીજા અધિકારીઓને સોંપી દેવામાં આવ્યો છે.
મનસુખ સાગઠીયાના ભાઈ કે.ડી. સાગઠીયા ગાંધીનગરની ચીફ ટાઉન પ્લાનિંગની કચેરીમાં લાંબા સમયથી ફરજ બજાવે છે. તેમને સરકારે સૌરાષ્ટ્ર વિસ્તારનો હવાલો સોંપ્યો હતો. મનસુખ સાગઠીયાની તપાસનો રેલો હવે તેમના ભાઈ સુધી પહોંચી રહ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓ તેમની અને તેમની મિલકતોની તપાસ કરી શકે છે. બીજીતરફ સરકાર ડિપાર્ટમેન્ટલ ઈન્કવાયરીના ઓર્ડર પણ કરી શકે છે.
Also Read –