રાજકોટમાં દિવાળીના તહેવારોમાં ફાયર બ્રિગેડને આગના ૧૪૬ કોલ મળ્યા
રાજકોટમાં દર વખતની જેમ આ વખતે પણ દિવાળીની રાત્રે ફાયર બ્રિગેડનો સ્ટાફ સતત દોડતો રહ્યો હતો. દિવાળીની રાત્રે શહેરમાં ૧ર૭ સ્થળોએ આગ લાગી હતી. જોકે એકપણ સ્થળે મોટી આગ નહીં લાગતા ફાયર બ્રિગેડના સ્ટાફને હાશકારો થયો હતો. દિવાળીના તહેવારોમાં ફાયર બ્રિગેડને આગ અંગે કુલ ૧૪૬ કોલ મળ્યા હતા.
રાજકોટમાં સાત સ્થળોએ ફાયર સ્ટેશનો છે. આ ઉપરાંત મોરબી રોડ ઉપર ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર છે.
દિવાળીના તહેવારોને ધ્યાને લઈ ઢેબર રોડ, પારસી અગિયારી ચોક અને પંચાયત ચોકમાં હંગામી ફાયર સ્ટેશનો ઉભા કરાયા હતા. ફાયર બ્રિગેડના જવાનો અને અધિકારીઓ મળી કુલ ૧૭૦નો સ્ટાફ ઉપરાંત ૬૦ જેટલા હંગામી ડ્રાઈવરો સ્ટેન્ડ-ટુ રહ્યા હતા.
શહેરમાં કુલ ૧ર૭ સ્થળે આગ લાગી હતી. મોટાભાગે કચરાના ઢગલા અને વંડામાં આગ લાગી હતી. જૂના એરપોર્ટના ગ્રાઉન્ડ, મોટામવા ગ્રામ પંચાયતના ગ્રાઉન્ડ, નાકરાવાડી ડમ્પીંગ યાર્ડ, પેડક રોડ પર આસ્થા એવન્યુ નજીક મોબાઈલ ટાવરમાં, જામનગર રોડ પર જૂના તાલુકા પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડ, મવડી પોલીસ હેડકર્વાટરના ખુલ્લા વંડામાં, ઉમાકાંતનગર મેઈન રોડ પર ઈલેકટ્રીક ટીસીના વાયરીંગમાં, રેસકોર્સમાં મેયર બંગલાના વંડામાં, કાલાવડ રોડ પર ફિલ્ટર પ્લાન્ટના વંડામાં આગ લાગી હતી.
ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે સૌથી મોટી આગ કહી શકાય તેમાં મેટોડા જીઆઈડીસી ગેટ નં.૩ નજીક ઉમા કોટન વેસ્ટના ગોડાઉનની આગનો સમાવેશ થાય છે. જયાં રાજકોટથી એક બ્રાઉઝર મોકલાયું હતું. જયારે કોલેજવાડી-૬માં ગ્રાફિકસના કારખાનામાં આગ ભભૂકી ઉઠી હતી. જાણ થતા બે ફાયર ફાઈટરો સ્થળ પર દોડી ગયા હતા. કારખાનામાં ગુંદર ઉપરાંત અન્ય જવલનશીલ મટીરીયલ હતું. જેની ઉપર તણખા પડતાં આગ ભભૂકયાનું અનુમાન છે. કારખાનું જે મકાનમાં ચાલે છે. તેમાં રહેતા સાત લોકો સમયસર નીકળી જતા તમામનો બચાવ થયો હતો.
ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે દિવાળીના તહેવારમાં ૧૪૬ આગના કોલ મળ્યા હતા. જેમાંથી ૩ કોલ ઔદ્યોગિક એકમોના, પ કોલ ઓફિસ અને ધંધાકીય સ્થળના, ૬ કોલ મકાનમાં આગના હતા. સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.