સ્વામિનારાયણના ફરાર થયેલા સંતો મામલે શું કહ્યું રાજકોટ ક્રાઈમ બ્રાન્ચએ
રાજકોટઃ આખા સૌરાષ્ટ્રમાં ભળભળાટ મચાવનારા છેતરપિંડીના ગુનામાં જૂનાગઢ સ્વામિનારાયણના જે સંતોના પર આક્ષેપો થયા છે, તે હાલમાં ફરાર છે. ત્યારે આ મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત બસિયાએ મીડિયા સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ફરિયાદી જસ્મીન માઢક ને વિશ્વાસમાં લઇ સંતો સહિતના 8 શખ્સો એ ₹ 3 કરોડ ની છેતરપિંડી કરી છે. ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આર્થિક ગુન્હા નિવારણ શાખા આ કેસની તપાસ કરી રહી છે. જૂનાગઢમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી છે. તમામ આરોપીઓને વહેલી તકે ઝડપી લેવાશે. સમગ્ર ગુજરાતમાં આ ગેંગ વિરુદ્ધ 5 થી વધુ ગુન્હા દાખલ થયા છે જેમાં આણંદ, નડિયાદ, સુરત રાજકોટ વિગેરે શહેરોમાં આ સાધુઓએ કૌભાંડ આચર્યા છે.
એક જ જમીન વિવિધ વ્યક્તિઓને બતાવી સાટાખત કરી રૂપિયા પડાવી છેતરપીંડી કરવામાં આવી છે. દહેગામ પાસે 510 વીઘા જમીન ફરિયાદી ને બતાવી સ્વામિનારાયણ મંદિર બનાવવાનું કહ્યું હતું. સ્વામિનારાયણ મંદિરમાં રૂપિયાનું રોકાણ કરી રૂપિયા કમાવવાની લાલચ પણ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે વિવિધ કલમો 406,409,420,220B હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી તમામ સંત રાજ્ય છોડી ગયા હોવાનું જાણવા મળ્યું છે. ક્રાઈમ બ્રાન્ચ જૂનાગઢ પણ પહોંચી હતી, પરંતુ તેમને આ કહેવાતા સંતો હાથે લાગ્યા ન હતા.