વર્લ્ડ કપ પહેલા જામશે આ જંગઃ રાજકોટના ક્રિકેટરસીયાઓમાં થનગનાટ
એશિયા કપ પોતાને નામ કરી ચૂકેલી ભારતીય ટીમ અને ક્રિકેટના લાખો ચાહકોને આમ તો વર્લ્ડ કપની જ પ્રતીક્ષા છે, પરંતુ તે પહેલા એક સિરીઝ યોજાવાની છે, જેનો એક મેચ રાજકોટમાં રમાશે. વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની વનડે સિરિઝ રમશે. આ મેચો મોહાલી, ઈન્દોર અને રાજકોટમાં રમાશે.
રાજકોટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાતી હોય ત્યારે તેને જોવા માટે એક માત્ર રાજકોટ જ નહીં, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી ક્રિકેટરસિકો આવે છે. આગામી 27 સપ્ટેમ્બરના રોજ એસસીએ સ્ટેડિયમ પર ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી વનડે મેચ માટે ક્રિકેટ રસીયાઓ આત્યારથી જ થનગની રહ્યા છે.
ઇન્દોર ખાતે બીજી વનડે મેચ રમ્યા બાદ બન્ને ટીમના ખેલાડીઓ 25 સપ્ટેમ્બરના રોજ રાજકોટ આવી પહોંચશે, તેવી માહિતી મળી છે. રાજકોટના એસસીએ સ્ટેડિયમની પીચ બેટિંગ પીચ માનવામાં આવી રહી છે. ભારત તેમજ ઑસ્ટ્રેલિયા એમ બન્ને ટીમમાં એક-એકથી ચડિયાતા બેટ્સમેન હોવાને કારણે અહીંની બેટિંગ ફ્રેન્ડલી પીચ ઉપર રનનો વરસાદ થશે, તેમ માનવામાં આવે છે. આ અગાઉ પણ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે મેચ રમાઈ હતી.
જેમાં ભારતે 6 વિકેટ ગુમાવી 340 રન બનાવ્યા હતા. જેની સામે 304 રનમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને ઓલઆઉટ કરી ભારતે જીત મેળવી હતી. જોકે રાજકોટવાસીઓએ આ વખતે ખેલાડીઓને જોવા માટે એરપોર્ટ જવું હશે તો 30 કિલોમીટરનો પ્રવાસ ખેડવો પડશે. જોકે તેમની હોટેલોની બહાર ચાહકો ભીડ લગાવશે.