આપણું ગુજરાત

રાજકોટ કોર્પોરેશનની ઈમારતમાં જ ફાયર સેફ્ટીના ઠેકાણાં નથી

રાજકોટમાં થયેલા અગ્નિકાંડની જ્વાળાઓ હજુ શમી નથી. જેમણે સ્વજનો ગુમાવ્યા છે, તે પરિવારો સાથે સમગ્ર શહેર અને રાજ્ય એ માસૂમોના મરણથી વ્યથિત છે. દરેક માતા-પિતાને લગભગ એકવાર તો વિચાર આવતો હશે કે આવા કોઈ ગેમઝોનમાં મારું બાળક હોય ને આગ લાગે તો…

તંત્ર હાલમાં તો ખળભળી ઉઠ્યું છે અને જવાબદાર અધિકારીઓ સાથે આકરા પગલાં લેવાઈ રહ્યા છે, પરંતુ આવી ઘટનાઓ થતી હોવા છતાં સિસ્ટમ અને માનસિકતામાં કોઈ સમૂળગો ફેરફાર આવતો નથી. આમ તો ચાની ટપરીને પણ નિયમો શિખવાડતી અને નાનકડા વેપારીને નિયમોના નામ દંડી લેતી રાજકોટ મહાનગરપાલિકા પોતાની ઈમારતમાં થતી ગુનાકીય બેદરકારી વિશે કંઈ કહેશે? અરે જ્યારે ફાયર સેફટી ના નિયમો જાણવા માટે અધિકારી કે પદાધિકારી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો તો સ્પષ્ટ જણાવી દેવામાં આવ્યું કે અમને ઉપરથી કોઈપણ પત્રકાર સાથે વાત કરવાની મનાઈ છે અમે કોઈ માહિતી નહીં આપી શકીએ. આ તો કેવું પ્રજા નો અવાજ બની અને પત્રકાર જાય તો તેને કોઈ પ્રજાના હિતની વાત જ જાણવાનો અધિકાર નહીં?


ફાયર સેફટી ના નિયમમાં કદાચ કોર્પોરેશન નું બિલ્ડીંગ ન આવતું હોય તો શું થયું? લોકો પ્રત્યેની કોર્પોરેશનની કાંઈ ફરજ કરી કે નહીં જો આગ લાગે તો ઠારવા માટે શું કરવાનું?


અમારા ડિજિટલ માધ્યમના વીડિયોમાં તમે જ જોઈ લો કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જો આગ લાગે તો (ભગવાન કરે અને ન લાગે) કોર્પોરેશનનો મસ્ત મોટો સ્ટાફ, રોજબરોજના મુલાકાતીઓ વગેરેની ગણતરી કરો તો રોજના 10,000 માણસો અવરજવર કરતા હશે. ત્રણ માળની આ ઈમારતમાં ફાયર સેફટીના નામે લગભગ કંઈ નથી.
સલામતીના સાધનો એક પણ ફ્લોર પર નથી. ફાયર ફાઈટરને બિલ્ડીંગમાં પ્રવેશ કરવો હોય તો જે મુખ્ય બે દરવાજા ખુલ્લા છે તેમાંથી ફાયર ફાઈટર પ્રવેશ કરી શકે તેવું નથી. વિજય બેંક બાજુના ગેટમાંથી ફાયર ફાઈટર આવી શકે પરંતુ તે નેપાળી કાંડ થયા પછી ઘણા વર્ષોથી બંધ છે અને માની લો કે તાત્કાલિક એ દરવાજો ખોલી પણ નાખે પરંતુ તે દરવાજા પાસેના મેદાનમાં અસંખ્ય વાહનોનું પાર્કિંગ ગોઠવાયેલું છે એટલે એ શક્ય નથી. તો બિલ્ડિંગમાં પ્રવેશ કરવા માટે બે ગેટની કમાન તોડવી પડે. બીજું કે આખા બિલ્ડિંગમાં ઉતરવા અને ચડવા માટે માત્ર બે દાદરાઓ છે. મોટી સંખ્યામાં ભાગા દોડી થાય તો એ બે દાદરાઓ ટૂંકા પડે તેમ છે.

આ પણ વાંચો: રાજકોટની મોટાભાગની પ્રી-સ્કૂલો,સ્કુલો અને ક્લાસીસોમા ગેરકાયદે ડોમ અને ફાયરસેફ્ટીનો અભાવ…

પોતાનું ઘર સુરક્ષિત ન કરી શકનારા બીજાના ઘરને દંડવા ઉભા થયા છે.


પોતાની આ જીવલેણ બની શકે તેવી ભૂલ માટે પોતાને જ કેટલો દંડ કરશે? કેટલી સજા આપશે?


કોર્પોરેશનમાં ફાયર સેફટી ની સગવડતા ન કરવા બદલ સરકાર કોને કોને સસ્પેન્ડ કરશે કે ડિસમિસ કરશે કે સજા આપશે?


હજુ તો ઘણી શાળાઓ મોલ સિનેમા આ બધી જગ્યાએ તપાસ કરવાની બાકી છે જોકે જાગૃત પત્રકારત્વ માટે મુંબઈ સમાચારનું નામ અગ્રેસર છે. એટલે આવનારા દિવસોમાં એ જાણકારી પણ આપના આપશું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button