વાહ ક્યા બાત હૈ! સરકારી કર્મચારીઓના ભૂલકાઓ માટે રાજકોટ કલેક્ટર ઓફિસમાં જ ‘ઘોડિયા ઘર’
રાજકોટ: રાજકોટ કલેકટર કચેરીનો ગ્રાઉન્ડ ફલોરમાં જો તમને રંગબેરંગી દીવાલોથી સુશોભિત ઓરડો મળે તો નવાઈ ન લગાવતા કે અમે ક્યાં પહોચી ગયા? કારણ કે કર્મચારીઓના બાળકો માટે રાજકોટ કલેકટર પ્રભવ જોશીએ એક સરાહનીય પહેલ કરી છે. રાજકોટ કલેકટર કચેરીના ગ્રાઉન્ડ ફલોર ખાતે ઘોડિયા ઘર(બાલવાટિકા)નું શરૂ કરવામાં આવ્યું છે (Rajkot Collector office ghodiya ghar). રાજકોટની કોઇ પણ સરકારી કચેરીઓમાં કામ કરતી મહિલાઓના બાળકોની સંભાળ તેમની માતાઓ સરકારી ફરજ દરમ્યાન લઇ શકે તે માટે આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે કલેકટરે જણાવ્યું હતુ કે, મહિલાઓ કર્મયોગી બાળકોની ચિંતાથી મુક્ત થઇ પોતાના કાર્યમાં વધુ સારી રીતે ફરજ બજાવી શકે અને બાળકોની ઘોડિયા ઘરમાં યોગ્ય દેખરેખ હેઠળ સચવાય, તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માનવીય અભિગમ સાથે આ ઘોડિયાઘરની વ્યવસ્થા કરવામાં આવી છે. વધુમાં વધુ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓના બાળકો આ ઘોડિયા ઘરની સુવિધાનો લાભ લે તેવી આશા કલેકટરે વ્યક્ત કરી હતી.
સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓના બાળકોની યોગ્ય સાર-સંભાળ થઇ શકે તે માટે રંગબેરંગી ચિત્રોથી બનેલ ઘોડિયા ઘરની સુવિધા કલેકટર કચેરી ખાતે જ ઉભી કરાઈ છે. જેમાં નાના બાળકો માટે હિંચકા, લપસીયા, ઘોડિયા, રમકડા, એરકન્ડીશન, ટેલિવિઝન તેમજ ફ્રીઝ અને વોટર પ્યુરીફાયર સહિતના રસોડાની સગવડો ઉપલબ્ધ કરાવાઈ છે. આ ઘોડિયા ઘરમાં 6 મહિનાથી લઈને 12 વર્ષ સુધીના બાળકો રાખવામાં આવશે.
આ પ્રસંગે અધિક કલેકટ ચેતન ગાંધી, ઘોડિયા ઘરની સમિતિના અધ્યક્ષ અને રાજકોટ શહેર પ્રાંત-1ના પ્રાંત અધિકારી ચાંદનીબેન પરમાર, સરકારી કર્મચારી ભાઈઓ અને બહેનો પોતાના બાળકો સાથે ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ મહિલા કર્મચારીઓએ ઘોડિયા ઘરની સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ કલેકટર પ્રભવ જોશી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.