Rajkot અગ્નિકાંડના પીડિતોને સીએમ આવાસ પર મળશે મુખ્યમંત્રી, મોટી જાહેરાતની શકયતા

ગાંધીનગર : ગુજરાતમાં રાજકોટ(Rajkot) અગ્નિકાંડને લઇને અનેક એક્શન લેવામાં આવી રહ્યા છે. જો કે આ મુદ્દે હાલ રાજકારણ પણ ગરમાયુ છે. જેમાં લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પીડિત પરિવાર સાથે એક વાર વિડીયો કોલથી અને એકવાર રૂબરૂ મુલાકાત કરી હતી. જેના પગલે રાજ્ય સરકાર અને ભાજપ પણ એકશનમાં આવ્યું છે. તેમજ સરકાર અને પક્ષ આ પીડિતોની સાથે હોવાની પ્રતીતિ કરાવવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.
રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી શકે છે
જેના ભાગરૂપે આજે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાની આગેવાની હેઠળ પીડિત પરિવારો ગાંધીનગર પહોંચ્યા છે. જેમાં 24 પરિવારના એક થી બે વ્યક્તિ મળી આખું પ્રતિનિધિ મંડળ બપોરે એક વાગે મુખ્યમંત્રી આવાસ પર સીએમ ભૂપેન્દ્ર પટેલને મળશે. તેમની સાથે રાજકોટ શહેર ભાજપના પ્રમુખ સહિતનું પ્રતિનિધિ મંડળ પણ ગાંધીનગર પહોંચ્યું છે. ત્યારે ચર્ચા ચાલી રહી છે કે રાજકોટ અગ્નિકાંડના પીડીતોને હૈયાધારણ આપી રાજ્ય સરકાર મહત્વની જાહેરાત પણ કરી શકે છે
આગમાં 33 લોકો માર્યા ગયા
રાજકોટમાં 25 મે 2024ના રોજ ગેરકાયદે ગેમિંગ ઝોનમાં લાગેલી આગમાં 33 લોકો માર્યા ગયા હતા. જેની બાદ સરકારે એસઆઇટી રચના કરી હતી. આ દરમ્યાન પોલીસે ગેમઝોન માલિક સહિત છ લોકોની ધરપકડ કરી છે. આ ઉપરાંત સરકારે કોર્પોરેશનના અધિકારી મનસુખ સાગઠિયા સહિત અનેક ફાયર અધિકારીઓને સસ્પેન્ડ કરી ધરપકડ કરી તેમની વિરુદ્ધ કાર્યવાહી પણ હાથ ધરી છે.