Rajkotની સોસાયટીના વૉટ્સ એપ ગ્રુપ પર પત્નીની લાશ સાથે બિઝનેસમેને કર્યો વીડિયો શેર
રાજકોટઃ આજકાલ દરેક હાઉસિંગ સોસાયટીનાં વોટ્સ અપ ગ્રુપ બન્યા છે, જેમાં સોસાયટીને લગતી માહિતી શેર કરવામાં આવે છે અને આ સાથે દેશ દુનિયાનું કન્ટેન્ટ પણ શેર થાય છે. જોકે રાજકોટની અંબિકા ટાઉનશિપના શાંતિવન નિવાસના રહેવાસીઓની સવાર એક ભયાનક વીડિયો સાથે થઈ હતી. અહીંના એક પરિવારના સભ્યએ ગ્રુપમાં વીડિયો શેર કરી સૌને હચમચાવી નાખ્યા હતા. સોસાયટીના રહેવાસી અને બિઝનેસમેન ગુરુપા જીરોલીએ આ વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં તેઓ રહેવાસીઓની માફી માગતા દેખાતા હતા, પરંતુ તેમની પાછળ તેમની પત્નીની લોહીથી લથબથ લાશ દેખાતી હતી. ગુરુપાએ કહ્યું કે મને માફ કરજો. મેં મારી પત્નીને મારી નાખી છે કારણ કે તેને મારા મિત્ર સાથે પ્રેમસંબંધ છે.
તેણે સવારે સાડા પાંચ વાગ્યે પોલીસને પણ ફોન કરી દીધો હતો. પોલીસે તેની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછ અનુસાર ગુરુપા મૂળ મહારાષ્ટ્રના સોલાપુરના છે અને રિઅલ એસ્ટેટ બિઝનેસ સાથે સંકળાયેલા છે. અહીં તે પત્ની અંબિકા અને બે સંતાન અનુક્રમે 17 વર્ષીય દીકરી અને 10 વર્ષીય દીકરા સાથે રહે છે. પત્નીને મિત્ર સાથે કથિત સંબંધ હોવાનું અને તે બન્ને ભાગી જવાની પેરવીમાં હોવાનું તેણે કહ્યું હતું. તેણે એમ પણ કહ્યું કે મેં તેને દીકરાની દસમાની પરીક્ષા બાદ છૂટાછેડા લેવા પણ કહ્યું હતું, પરંતુ તે માનવા તૈયાર ન હતી. આથી રાત્રે બે વાગ્યા આસપાસ બન્ને વચ્ચે ઝગડો થયો અને તેણે ધારદાર સાધન વડે પત્નીને માર્યું અને તેનું મોત થયું.
પોલીસે અંબિકાના પરિવારને પણ જાણ કરી છે અને તેની સાથે કથિત પ્રેમ સંબંધ હોવાની વાત છે તે મિત્રને પણ પૂછપરછ માટે બોલાવશે, તેવી માહિતી અહેવાલ દ્વારા મળી છે.