રાજકોટમાં કમિશનથી વેપારીઓને ટેકસ ચોરી કરાવી આપતા વેપારીની 2.14 કરોડ સાથે ધરપકડ
રાજકોટ: રાજકોટના નાના મૌવા રોડ પર પોલીસના EOW વિભાગની મોટી કાર્યવાહી કરી છે. પોલીસના EOW વિભાગે એક મોટી કાર્યવાહી કરીને કમિશન લઈ રૂપિયાની હેરાફેરી કરનાર 2 શખ્સોને 2.14 કરોડની રોકડ સાથે સાથે ઝડપી લીધા છે. ટેક્સની ચોરી માટે વ્હાઇટ માંની કરવાનું કૌભાંડ હોવાની હલ પોલીસને આશંકા છે.
રાજકોટ આર્થિક ગુન્હા નિવારણ શાખા દ્રારા 2 અલગ અલગ સ્થળોએથી આ રકમ કબ્જે કરવામાં આવી છે. EoWના ASIને આર. કે. જાડેજાને મળેલી બાતમી મળી હતી કે રાજકોટના નાના મૌવા રોડ પર શ્રોફનો ધંધો કરનાર નિલેષ ભાલોડી તે વેપારીઓને ટેક્ષ ન ભરવો પડે તે માટે પોતાની પેઢીના બેન્ક ખાતામાં કેશ સેલ્ફ ડિપોઝીટ, NEFT અને IMPS મારફતે જમા લઈ તે કેશ વેપારીઓએ ખેતપેદાશ (જણસી) ખરીદ કરી છે એવું ખોટું બહાનું બતાવી રૂ. 1 લાખ પર રૂ. 550નું કમિશન કાપી ચૂકવે છે. એટલું જ નહીં રોજબરોજ લાખો-કરોડોની હેરા-ફેરી કરે છે.
મળેલી બાતમીના આધારે EOWના સ્ટાફ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન મોરબીના વેપારીઓને કેશ આપવા જતાં નિલેષ અને તેના માણસ જયસુખને મોરબી રોડ પરની બેડી ચોકડી નજીક પીએસઆઈ સી. બી. જાડેજાએ ઝડપી લીધા હતા. કારની તપાસ કરતાં 90 લાખની રોકડ મળી આવી હતી. બંનેએ આપેલી માહિતીના આધારે સ્ટાફે નાનામવા મેઈન રોડ પર મારવાડી બિલ્ડીંગની બાજુમાં આવેલ નાઈન-સ્કવેર બિલ્ડીંગના છઠ્ઠા માળે આવેલી ઓફીસ નં. 608માં દરોડો પાડી ત્યાંથી વધુ રૂ. 1.25 કરોડની રોકડ કબજે કરી હતી.
ક્રાઈમ બ્રાંચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું કે આરોપીઓ ખરેખર કેટલા સમયથી આ પ્રકારના વહેવારો કરતા હતા, કયા-કયા વેપારીઓને ફાયદો પહોંચાડયો છે તે અંગે તપાસ કરવામાં આવશે. આરોપીઓના પીએન્ડબી, એસબીઆઈ, બીઓબી, આઈસીઆઈસીઆઈ અને એકસીસ સહિતની બેન્કોમાં રહેલા ખાતાઓના સ્ટેટમેન્ટ મંગાવી તેના આધારે પણ તપાસ કરવામાં આવી છે.