રાજકોટ-અમદાવાદ હાઈ વે પર ટોલ પ્લાઝાનો વિરોધ, કૉંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી

અમદાવાદઃ રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈ વે પર એક નવું ટોલ પ્લાઝા ઊભું થઈ રહ્યું છે, જેનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે. કૉંગ્રેસે પ્રોજેક્ટ ડાયરેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી કે રોજના લગભગ 50,000 જેટલા વાહનચાલક પર આ ટોલનો બોજ પડશે, આથી આ ટોલ પ્લાઝા શરૂ કરવામાં આવે નહીં.
રાજકોટના નવા એરપોર્ટથી 11 કિમી દૂર જ આ ટોલ પ્લાઝા ઊભું કરવામાં આવ્યું છે. અગાઉ પણ ખેડૂતો, વેપારી સહિત ઘણાએ આનો વિરોધ કર્યો હતો. લગભગ માર્ચ-2026માં આ ટોલ પ્લાઝા શરૂ થવાનો છે, જે એરપોર્ટના પ્રવાસીઓ, ખેડૂતો સહિતના લગભગ રોજના 50,000 વાહનચાલક માટે ખિસ્સું ખાલી કરનારો સાબિત થશે, આથી જો સરકાર આ મામલે નિર્ણય નહીં લે તો જનઆંદોલન છેડવામાં આવશે, તેમ કૉંગ્રેસે જણાવ્યું હતું.
સૌરાષ્ટ્ર કૉંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતના જણાવ્યા અનુસાર ટોલ પ્લાઝાને લીધે લોકો પર આર્તિક બોજ તો વધશે જ, પણ સાથે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થશે. આ સાથે વાહનો અચાનક ધીમા થતા અને લેન બદલાવવાના કારણે અકસ્માતોની શક્યતા પણ વધારે રહે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.



