રંગીલુ Rajkot બન્યુ લોહિયાળઃ પાંચ વર્ષમાં આટલા જણાના મોત?
અમદાવાદઃ Saurashtraનું કેપિટલ રાજકોટ રંગીલુ કહેવાય છે. અહીં લોકો મોજમાં જીવે છે અને ઉદ્યોગધંધા પણ વિકસી રહ્યા છે. રાજકોટ સમૃદ્ધ શહેર છે, પરંતુ લોકોની ટ્રાફિક સેન્સ, ટ્રાફિક ડિસિપ્લિન સમૃદ્ધ નથી, આ સાથે શહેરમાં જ્યાં જૂઓ ત્યાં ખાડાવાળા રસ્તા, ખૂલ્લી ગટરો છે. આ બન્ને મુખ્ય કારણોને લીધે અહીં અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે અને અહીંના રસ્તા લોહિયાળ બનતા જાય છે.
રાજકોટ ટ્રાફિક પોલીસમાં નોંધાયેલા ઓફિસિયલ આંકડા મુજબ રાજકોટમાં છેલ્લા પાંચ વર્ષમાં કુલ 2,179 અકસ્માતના કેસ નોંધાયા છે. જે પૈકી 754 લોકોના મૃત્યુ નીપજ્યા છે, જ્યારે 888 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અને 537 લોકોને સામાન્ય ઇજા પહોંચી હોવાનું બહાર આવ્યુ છે.
ચાલુ વર્ષે આઠ મહિનામાં કુલ 101 લોકોના મોત
રાજકોટમાં 2019થી 2023 સુધીમાં રાજકોટમાં કુલ 2,179 અકસ્માતના કેસ નોંધાયા છે. જે પૈકી 754 લોકોના મૃત્યુ નીપજ્યા છે, આજ રીતે ચાલુ વર્ષે જાન્યુઆરીથી ઓગસ્ટ 2024 સુધીના આઠ મહિનામાં કુલ 268 અકસ્માતોમાં થયા છે જેમાં 101 લોકોના મોત થયા છે. જ્યારે 134 લોકો ગંભીર રીતે ઘાયલ અને 33 લોકોને સામાન્ય ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ ટ્રાફિક વિભાગમાં નોંધાયેલા અકસ્માતોના આંકડા મુજબ વર્ષ 2019માં 524, વર્ષ 2020માં 401, વર્ષ 2021માં 338, વર્ષ 2022માં 442, વર્ષ 2023માં 474 અને વર્ષ 2024માં ઓગસ્ટ સુધીમાં 268 અકસ્માતો થયા છે.
ઓવરસ્પીડ અને રોંગ સાઇડ અકસ્માતનું મુખ્ય કારણ
રાજકોટ ટ્રાફિક બ્રાન્ચના એસીપીના જણાવ્યા મુજબ ઓવરસ્પીડ અને રોંગ સાઇડમાં વાહનો પસાર કરવા અકસ્માતનું મુખ્ય કારણ છે. પોલીસ દ્વારા આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. ઓવરસ્પીડમાં વાહન ચલાવવા બદલ રૂ. 2000નો દંડ ફટકારવામાં આવતો હોય છે. ચાલુ વર્ષે રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા આઠ મહિનામાં ઓવર સ્પિડિંગના સૌથી વધુ 17,732 કેસ કરવામાં આવ્યા છે.
છેલ્લા આઠ મહિનામાં સ્થળ પર 7,163 કેસ કરી રૂ. 35,79,609 દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જ્યારે 854 લોકોને ઇ-ચલણ મારફત મેમો મોકલવામાં આવ્યો છે. આ જ રીતે મોટર કારમાં સીટબેલ્ટ ન પહેરવાથી ગંભીર ઇજા થઇ શકે છે. માટે સીટબેલ્ટ વગર ગાડી ચલાવતા ચાલકો સામે સ્થળ પર 17,747 કેસ કરી 88,65,400 દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જ્યારે 1,622 લોકોને ઇ-ચલણ મારફત મેમો મોકલવામાં આવ્યો છે.