રાજસ્થાનમાં ભારે વરસાદથી સરહદી વિસ્તારોની કફોડી હાલતઃ પોલો ફોરેસ્ટ બંધ…
હરણાવ જળાશયના દરવાજા ખોલાતા 9 ગામને એલર્ટ કરાયા, પર્યટકોને રેસ્ક્યૂ કર્યાં

અરવલ્લી/વિજયનગરઃ રાજસ્થાનમાં ભારે વરસાદના કારણે ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં પૂરની સ્થિતિ નિર્માણ થયું હતું.
હરણાવ નદીમાં ઘોડાપૂર આવતાં વિજયનગરના ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ કફોડી બની હતી. પોલો ફોરેસ્ટ પણ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું.
11,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું
અરવલ્લી જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલા હરણાવ જળાશયમાં પાણીની આવક વધતા રૂરલ લેવલ જાળવી રાખવા માટે તેના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા હતા.
જળાશયમાંથી 11,000 ક્યુસેક પાણી છોડવામાં આવતા નદીમાં પ્રવાહ વધ્યો હતો, જેના પગલે નદી કિનારાના 9 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા.
પોલો ફોરેસ્ટના રસ્તાને મોટું નુકસાન
બંધણા, અભાપુર, મતાલી, ધોળીવાવ, વીરપુર, આંતરસુબ્બા, અંદ્રોખા, ભુપતગઢ અને કુંડલા ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ આપવામાં આવ્યું હતું. પાણીના ભારે પ્રવાહને કારણે પોલો ફોરેસ્ટના રસ્તાને મોટું નુકસાન થયું હતું. ત્રણ જગ્યાએથી રોડ ધોવાઈ જતાં વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે.
આ ઉપરાંત, અનેક જગ્યાએ વીજળીના થાંભલા પણ ધરાશાયી થયા હતા. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી સુરક્ષાનાં પગલાં ભરવામાં આવી રહ્યા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પ્રવાસીઓ અને સ્થાનિકો ફસાયા હતા
સાબરકાંઠા જિલ્લામાં ઉપરવાસમાં છેલ્લા ત્રણ દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. વિજયનગરના પોલો ફોરેસ્ટ નજીક હરણાવ નદીમાં પાણીનો પ્રવાહ વધતાં સોમવારે ટેન્ટ સિટીમાં ફરવા આવેલા 30થી વધુ પ્રવાસીઓ અને સ્થાનિકો ફસાયા હતા, જેમને ઈડર ફાયર બ્રિગેડ અને એનડીઆરની ટીમે રેસ્ક્યૂ કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.
આ પણ વાંચો…અમદાવાદના વાસણા બેરેજમાંથી પાણી છોડાયું, અનેક ગામોને એલર્ટ કરાયા