આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં હજુ આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ; છેલ્લા 24 કલાકમાં રાજ્યનાં 55 તાલુકામાં વરસાદ…

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા અનેક દિવસોથી હવામાનમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યનાં અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજકોટ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે, તે ઉપરાંત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો અને ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા. જો કે આ દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં બફારાને કારણે નોંધપાત્ર વધારો થયો હતો.

24 કલાકમાં રાજ્યનાં 55 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યનાં 55 તાલુકામાં વરસાદ પડ્યો હતો. રાજ્યના 16 તાલુકાઓમાં અડધા ઇંચથી અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો ગાતો. સૌથી વધુ વરસાદ રાજકોટમાં 2.60 ઇંચ, અમરેલીના કુંકાવાવ-વડિયામાં 1.89 ઇંચ, સુરતના માંગરોળમાં 1.38 ઇંચ અને આણંદના તારાપુરમાં 1.02 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

કેરળમાં આગામી ૨ દિવસમાં પહોંચશે ચોમાસું
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૨ દિવસ દરમિયાન કેરળમાં ચોમાસાના આગમન માટેની પરિસ્થિતિઓ અનુકૂળ બને તેવી શક્યતા છે. પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર દક્ષિણ કોંકણ કિનારે આવેલું સુસ્પષ્ટ લો-પ્રેશર વિસ્તાર આજે, ૨૩ મે ૨૦૨૫ ના રોજ બપોરે ૨:૩૦ વાગ્યા સુધી તે જ વિસ્તારમાં યથાવત છે. આગામી ૨૪ કલાક દરમિયાન તે લગભગ ઉત્તર તરફ આગળ વધીને વધુ તીવ્ર બનીને ડિપ્રેશનમાં ફેરવાય તેવી સંભાવના છે.

આગામી 7 દિવસ માટે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આવતીકાલે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. તે ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે, જ્યારે કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે.

ત્યારબાદ ૨૮ મે સુધીમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ યથાવત રહેવાની સંભાવના છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અને 25 તથા 26 મે દરમિયાન ઘણા સ્થળોએ વરસાદની શક્યતા છે. ૨૮ મે બાદ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button