આગામી સાત દિવસ સુધી ગુજરાતના અનેક જિલ્લામાં રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસું પહોંચે તે પૂર્વે જ રાજ્યનાં અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં હજુ આગામી 13 જૂન સુધી રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવાં આવી છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. ભીમ અગિયારસના પર્વે જ શુકનનો વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશીની લાગણી છે.
7 દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
રાજ્યનાં હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આવતીકાલે સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, નવસારી, નર્મદા, સુરત, ભરૂચ, ડાંગ, છોટા ઉદેપુર તેમજ દાહોદ જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત 9 મી જૂનના રોજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરદની આગાહી છે.
13 જૂન સુધી રહેશે વરસાદ
તે ઉપરાંત આગામી 10મી જૂનથી લઈને 13મી જૂન સુધી સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હાલ પણ રાજ્યના અનેક સ્થળોએ વરસાદ પડી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં પણ રાજ્યનાં અનેક જિલ્લામાં વરસાદી માંહોલ યથાવત રહી શકે છે.
આ પણ વાંચો - અમરેલીમાં સતત બીજા દિવસે મેઘ મહેર, બાબરામાં એક ઈંચ વરસાદ
હાલ રાજ્યમાં ગરમી અને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે આજે અસહ્ય ગરમી બાદ રાજકોટ શહેર અને જિલ્લાના લોધીકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. દિવસની આકરી ગરમી બાદ પડેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક વ્યાપી હતી.