કચ્છમાં વરસાદનો વિરામ: આખરે ઉઘાડ નીકળ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: સમગ્ર રાજ્ય સહીત રણ પ્રદેશ કચ્છમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી અવિરતપણે વરસી રહેલા ભારે વરસાદે ગુરુવારે દિવસ દરમિયાન વિરામ લીધો છે અને વાદળછાયાં વાતાવરણને બદલે સાફ આકાશ સાથે સૂર્યનારાયણે દર્શન દેતાં જનજીવને રાહતનો દમ લીધો છે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલી ત્રણ જેટલી વરસાદી સિસ્ટમોને કારણે દોઢ માસના વિરામ બાદ કચ્છમાં બે દિવસમાં કચ્છના લગભગ તમામ તાલુકાઓમાં બેથી દસ ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકી જતાં અનેક જળાશયો છલોછલ ભરાઈ જવા પામ્યાં છે. બંદરીય માંડવી, નખત્રાણા અને અબડાસા તાલુકાના કેટલાક મથકોએ બપોર બાદ થોડી વાર માટે ઝાપટાં વરસ્યાં હતાં, બાકી સર્વત્ર મેઘાએ વિરામ રાખતાં ધરતીપુત્રોના જીવમાં જીવ આવ્યો છે. ભુજ, અંજાર, ગાંધીધામ, અંજાર સહિતના મોટાભાગના મથકોમાં વાતાવરણ સ્વચ્છ બનતાં મહત્તમ તાપમાનનો આંક પણ ઉપર આવતાં ૩૫ ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન નોંધાતા પૂર્વ કચ્છના શહેરો ગરમ મથકો બનવાની સાથે અહીં અસહ્ય ઉકળાટ અને ગરમીએ જોર પકડ્યું છે.
દરમિયાન કચ્છમાં જૂન-જુલાઇ સુધી વરસેલા શ્રીકાર વરસાદ બાદ પશ્ર્ચિમ કાંઠે આવેલું પવિત્ર નારાયણ સરોવર ઓગનવાથી માત્ર બે ફૂટ જેટલું બાકી રહી જતાં શ્રદ્ધાળુઓ નિરાશ થયા હતા જો કે વીતેલા બે દિવસ દરમ્યાન થયેલી મેઘમહેર બાદ આ પુરાણ પ્રસિદ્ધ સરોવર ત્રણ વર્ષ બાદ આખરે ઓગની જતાં શ્રદ્ધાળુઓમાં આનંદ ફેલાયો છે. નવા પવિત્ર જળથી છલોછલ ભરાયેલા નારાયણ સરોવરને આગવી પરંપરા મુજબ વધાવવામાં આવશે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી ત્રણ દિવસ સુધી છૂટા-છવાયા વરસાદની આગાહી કરી છે.