આખરે ધીમા પડ્યા મેઘરાજાઃ દાહોદ સહિત અમુક વિસ્તારમાં જ વરસાદ વરસ્યો
અમદાવાદઃ ગુજરાતમાં બુધવારના રોજ ધોધમાર વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્ર અને પૂર્વ મધ્ય ગુજરાત તેમ જ દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયાની સ્થિતિ હતી, પરંતુ આજે ગુરુવારે અમુક જિલ્લાને બાદ કરતા પ્રમાણમાં ઓછો વરસાદ વરસ્યો હોવાનું જણાઈ રહ્યું છે. બપોરે બે વાગ્યા સુધીમાં દાહોદ, વલસાડ અને પંચમહાલમાં અનુક્રમે બે કે એક ઈંચ વરસાદ પડ્યો હતો.
આજે બપોરે વાગ્યા સુધીમાં ઝાલોદમાં 2 ઈંચ, લીમખેડામાં સવા ઈંચ, વલસાડના કપરાડા અને ધરમપુરમાં એક ઈંચ, શહેરામાં 21 મી.મી, મોરવા (હડફ)માં 20 મી.મી, સિંગવડ અને ખેરગામમાં 16-16 મી.મી, સંજેલીમાં 15 મી.મી, હિંમતનગર અને દાહોદમાં 10-10 મી.મી વરસાદ નોંધાયો છે. આ સાથે જ અન્ય 32 તાલુકામાં સામાન્યથી 10 મી.મી જેટલો વરસાદ વરસ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ગઈકાલે સમગ્ર રાજ્યમાં વરસાદ વરસ્યો હતો. બધુવારના રોજ 236 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ગઈકાલે સૌથી વધુ વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં નોંધાયો હતો. જેમાં વડોદરા અને આણંદ જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. આણંદ જિલ્લાના બોરસદમાં 13.9 ઈંચ અને વડોદરામાં 8 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો.
બીજીતરફ રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે 46 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 1,80,589 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 54.06 ટકા જળસંગ્રહ ટકા નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના કુલ 206 જળાશયોમાં 2,40,661 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 42.96 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.
વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી
વડોદરામાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસતા ચારેકોર પાણી જ પાણી ભરાઈ ગયા હતાં. અનરાધાર વરસાદથી શહેર આખુ પાણી પાણી થઈ ગયું છે. 14 ઈંચ ઈંચ વરસાદ ખાબકી જતા વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. આથી નદીમાં રહેલા મગરોનો ડર પણ હવે લોકોને સતાવી રહ્યો છે. પૂરના પાણી શહેરમાં ઘૂસવાનું શરૂ થઈ ગયું છે. હાલ વિશ્વામિત્રી નદીની સપાટી 27.85 ફૂટે પહોંચી છે. ભયજનક સપાટી 26 ફૂટ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સ્થિતિ વચ્ચે બે લોકોના મોત થઈ ગયા છે અને 1000 જેટલા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
કાંઠા વિસ્તારોમાં રહેતા લોકોમાં ભયનો માહોલ
વિશ્વામિત્રી નદીની સપાટી વધતાં મગરો બહાર નિકળી રહ્યા છે. વિશ્વામિત્રી નદીમાં 200થી વધુ મગરો વસવાટ કરે છે. જેના પગલે કાંઠા વિસ્તારોમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ પૂરના પાણીનો ડર અને બીજી તરફ મગરો આવી જવાનો ડર લોકોને સતાવી રહ્યો છે. ઘણા લોકોએ રાતથી જ પોતાનો સામાન ઉપરના માળે અથવા તો અન્ય જગ્યાઓએ ખસેડવાની શરૂઆત કરી દીધી હતી. તો આજે પણ કેટલાક લોકો પોતાનો સામાન સ્થાંતરણ કરી રહ્યા છે.