સૌરાષ્ટ્રમાં છૂટીછવાઈ મેઘમહેર : અમરેલીના વડીયા-ખાખરિયામાં સારો વરસાદ

અમદાવાદ: રાજ્યમાં નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે. ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જો કે હવે આગામી દિવસોમાં રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જો કે આ દરમિયાન સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. આજે અમરેલીના વડિયા સહિતના પંથકમાં વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત નવસારી સહિત દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડ્યો હતો.
આ પણ વાંચો: Gujrat Monsoon : રાજ્યમાં નૈઋત્ય ચોમાસાએ દીધી દસ્તક; આગામી બે દિવસ તમામ જિલ્લામાં વરસાદની આગાહી
હાલ સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં છૂટોછવાયો વરસાદ થઈ રહ્યો છે, ત્યારે આજે અમરેલીના વડિયા સહિતના પંથકમાં વરસાદ પડ્યો હતો. સવારના ભારે ઉકળાટ બાદ બપોર બાદ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને વડીયા અને ખાખરીયા સહિત આજુનાજુના પંથકમાં વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લાના લાપાળિયા, મોટા ગોરખવાળા સહિતના ગામોમાં પણ વરસાદ પડ્યો હતો. વાવણી બાદ થયેલ વરસાદને લીધે ખેડૂતોને પણ રાહત થઈ છે.
જામનગર જિલ્લાના પડાણા અને ભાટિયા સહિતના વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો હતો. આજે બપોરના સમયે જામનગર શહેર ઉપરાંત ફલ્લા, લાલપુર અને ધ્રોલ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. આ સિવાય હાલારના અનેક ગામોમાં છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.