ફરી ગાજ્યો મેહુલોઃ દાહોદમાં છ ઈંચ ખાબક્યો
દાહોદ શહેર સહિત જિલ્લામાં ગત રાત્રિના સમયથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે. નદી, નાળાં, તળાવો, ડેમ વગેરે જળાશયોમાં નવાં નીરની આવક થઈ છે. નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. જિલ્લામાં ભારે વરસાદ પડતાં અનેક જગ્યાએ પાણી ભરાયાં છે. દાહોદની મામલતદાર કચેરીની અંદર પાણી ભરાઈ ગયાં છે તેમજ તાલુકા પંચાયત કચેરીના પટાંગણમાં પણ પાણી ભરાતાં મિની તળાવ બની ગયું હતું. દાહોદ જિલ્લાના ડેમોમાં પણ પાણીની સપાટી વધવા માંડી છે. જિલ્લાના ત્રણ ડેમ ઓવરફ્લો થયા છે. વાંકલેશ્વર ડેમ, માછળનાળા ડેમ અને ઉમરિયા ડેમની જળ સપાટી વધવા લાગી છે. સવારે છથી સાંજે છ વાગ્યા સુધીમાં દાહોદના વિવિધ તાલુકામાં છ ઈંચ આસપાસ વરસાદ વરસ્યો છે.
બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થવાને લઈ ગુજરાતમાં 5 દિવસ સુધી ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, જેમાં મધ્ય ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ગત મોડી રાત્રિના સમયથી અવિરત મેઘરાજા મહેરબાન થતાં સર્વત્ર વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે, જેમાંથી દાહોદ જિલ્લો પણ બાકાત નથી.
દાહોદ જિલ્લામાં મેઘો અવિરત વરસી રહ્યો છે. તેને કારણે ધાનપુર તાલુકામા આવેલો અદલવાડા અને ઝાલોદ તાલુકામા આવેલો કાલી-2 ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે. દાહોદ શહેરમાં દુધીમતી નદી પણ બે કાંઠે વહેતા નાના પૂલ પર પાણી ફરી વળ્યા હતા.
દાહોદ શહેરમાંથી દુધીમતિ નદી પસાર થાય છે. આ નદી ઉપર શહેરમાં જ બે પૂલ બનાવેલા છે. જેમાંથી વનખંડી હનુમાનજીના મંદિર પાસેના નાના પૂલ ઉપર આજે બપોર પછી પાણી ફરી વળ્યા છે. જો પાણી વધશે તો આ પૂલ બંધ કરવામા આવશે. શહેરમા મોટા પાયે પાણી ભરાયા નથી. તળાવ ફળિયાનો પ્રશ્ન છે ત્યાં સફાઈ કરાવાય છે અને વરસાદ રોકાશે તો પાણીનો નિકાલ થઈ જશે.