ગુજરાતમાં અષાઢના પ્રારંભે મેઘમહેરઃ ૧૫૯ તાલુકા વરસાદથી તરબોળ, માળિયા હાટીનામાં વધુ વરસાદ…

અમદાવાદ: રાજ્યમાં અષાઢ મહિનાના પ્રારંભે જ જમાવટ કરી હતી અને પહેલા જ દિવસે રાજ્યના ૧૫૯ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, સુરત, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ૩ ઇંચથી પણ વધુ વરસાદ પડ્યો હતો. ૨૬ જૂનના રોજ સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં ૫.૩૧ ઇંચ વરસાદ નોંધાયો હતો.
માળિયા હાટીનામાં ૫.૩૧ ઇંચ વરસાદ
સ્ટેટ ઇમરજન્સી સેન્ટર, ગાંધીનગર દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર ૨૬ જૂનના રોજ સાંજે ૬ વાગ્યા સુધી રાજ્યના ૧૫૯ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ જુનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં ૫.૩૧ ઇંચ વરસાદ નોંધાયો હતો. તે ઉપરાંત સુરતના મહુવામાં ૪.૭૬ ઇંચ, વિસાવદરમાં ૪.૬૫ ઇંચ, ખેરગામમાં ૪.૧૭ ઇંચ, ચિખલીમાં ૪.૦૨ ઇંચ, તાલાળામાં ૩.૯૮ ઇંચ, બારડોલીમાં ૩.૪૬ ઇંચ, કામરેજમાં ૩.૧૯ ઇંચ, કલ્યાણપુરમાં ૩.૧૯ ઇંચ, રાણાવાવમાં ૩.૧૫ ઇંચ, પારડી ૩.૧૧ ઇંચ પડ્યો હતો.
૨૦ તાલુકામાં ૩ ઇંચ સુધીનો વરસાદ
અમરેલી, ધરમપુર,પાટણ, મહેસાણા, વિજાપુર, લોધિકા, રાજુલા, ટંકારા, કેશોદ, કુતિયાણા, કુંકાવાવ, કવાંટ, નવસારી, ગણદેવી, સુરત શહેર, ડોલવણ, માંગરોળ સહિત ૨૦ તાલુકામાં ૨ ઇંચથી લઈને ૩ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. રાજ્યના ૨૧ તાલુકામાં ૧ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. અષાઢ મહિનાના પહેલા જ દિવસે પડેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ
રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યના સાત જિલ્લામાં રાતે દસ વાગ્યા સુધી રેડ એલર્ટ નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લા રાતે દસ વાગ્યા સુધી રેડ એલર્ટ નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરૂચ, વડોદરા, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે.