સતત બીજા દિવસે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ
અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારો એટલે કે પાલડી, નારણપુરા, વાસણા, ગોતા, ચાંદલોડિયા સહિતના વિસ્તારો તેમજ પૂર્વમાં જમાલપુર, નરોડા, નિકોલ રોડમાં ભારે વરસાદ વરસતો જોવા મળ્યો હતો.
હવામાન વિભાગ દ્વારા આગામી 12 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. પંચમહાલ, દાહોદ, ગોધરા, નવસારી, ડાંગ, સાપુતારા, હિંમતનગર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
આ વખતે ગુજરાતમાં ઓગસ્ટ મહિના દરમિયાન ચોમાસામાં જાણે મેઘરાજાએ બ્રેક લગાવી દીધી હોય એમ મોટાભાગે કોરોધાકોર રહ્યો હતો. રાજ્યમાં સરેરાશ 9 ઇંચ વરસાદ થવો જોઇએ, તેની સામે ઓગસ્ટ મહિનામાં માત્ર દોઢ ઇંચ વરસાદ થતાં 89% વરસાદની ઘટ પડી છે. જો કે સપ્ટેમ્બરમાં આ સ્થિતિમાં પરિવર્તન આવે તેવી આશા લોકો સેવી રહ્યા છે.