Rain in Ahmedabad: અમદાવાદમા વહેલી સવારે મેધરાજાની એન્ટ્રી, વાતાવરણમાં ઠંડક પ્રસરી
અમદાવાદઃ દક્ષીણ ગુજરાતમાં પહોંચતા નબળું પડેલું નૈઋત્યનું ચોમાસું(Monsoon)હવે ફરી સક્રિય થયું છે. ત્યારે અમદાવાદ છેલ્લા ઘણાં સમયથી વરસાદની ચાતકનજરે રાહ જોઈ રહેલા અમદાવાદીઓની આતુરતાનો આજે અંત આવ્યો છે. આજે સોમવારે અમદાવાદમા વાદળ છાંયા વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારોમાં મેઘ મહેર થઇ હતી. એવામાં આગામી પાંચ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં આજે સોમવારે સવારે 6:30ની આસપાસ વરસાદ શરૂ થયો છે. વહેલી સવારે મેઘરાજાએ જમાવટ કરતા શહેરમાં નોકરી પર જતા લોકોને હલાકી પડી હતી. શહેરના મણિનગર, વટવા, નારોલ, સરખેજ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. શહેરમાં કાળા ડિબાંગ વાદળો શહેરમાં છવાયા છે. શહેરના ગોતા, સાયન્સ સિટી, એસજી હાઇવે, ન્યુ રાણીપ, રાણીપ, મોટેરા, ચાંદખેડા, ઘાટલોડિયા, શાહીબાગ, સેટેલાઈટ, શ્યામલ, લાલ દરવાજા, નરોડા, બાપુનગર, કૃષ્ણનગર, સૈજપુર, બોપલ, થલતેજ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.
શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદને લઈને અનેક જગ્યાએ પાણી ભરાયાં છે. હાટકેશ્વર, ખોખરા, સીટીએમ, જામફળવાડી, જશોદાનગર, પુનિતનગર રેલવે ફાટક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાં છે.
રાજ્યામાં આજે 24મી જૂનના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહિસાગર, પંમચહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે.
જ્યારે સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરંબદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ અને મોરબીમાં ઘણા ભાગોમાં વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છમાં છૂટો છવાયો ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે.
હવામાન વિભાગની અગાહી અનુસાર ગુજરાતમાં આગામી પાંચ દિવસ એટલે કે 29મી જૂન સુધીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી બે દિવસ અમુક જિલ્લામાં ભારે વરસાદની તો કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.