Gujaratમાં 97 તાલુકામાં મેઘમહેર, આગામી પાંચ દિવસ વરસાદની આગાહી

અમદાવાદ : ગુજરાતમાં (Gujarat) હાલ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. તેવા સમયે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે. જેમાં હાલ રાજ્ય પર બે મોનસુન સિસ્ટમ સક્રિય છે. જેના પગલે અનેક જિલ્લામાં બે દિવસ અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે પણ રાજ્યમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેના પગલે આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 97 તાલુકામાં મેઘમહેર થઈ હતી.
આજે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ
આજે 27મી જુલાઈએ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે. જ્યાં અતિભારે વરસાદ પડી શકે છે. જયારે દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. તેમજ સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય મધ્ય ગુજરાતના દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
રાજ્યમાં રવિવારે ઓરેન્જ એલર્ટ
આવતીકાલે 28મી જુલાઈ રવિવારના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે. જ્યારે કચ્છ, મોરબી અને જામનગરને બાદ કરતાં તમામ જિલ્લામાં યલો એલર્ટ છે.
રાજ્યમાં સોમવાર અને મંગળવાર ઓરેન્જ એલર્ટ
આ ઉપરાંત 29મી જુલાઈ સોમવાર અને 30મી જુલાઈ મંગળવારે હવામાન વિભાગે દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમેરલી, ભાવનગર, અમદાવાદ, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે. જ્યારે બાકીના તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ છે. આ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 97 તાલુકામાં મેઘમહેર
જ્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 97 તાલુકામાં મેઘમહેર થઈ હતી. જેમાં રાજ્યના માત્ર ઉચ્છલ અને છોટા ઉદેપુરમાં બે ઈંચ કરતા વધારે વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં આજે સવારે પુરા થતા છેલ્લા 24 કલાકમાં ઉચ્છલમાં 2.3 ઈંચ, છોટા ઉદેપુરમાં 2.2 ઈંચ, આણંદમાં 1.85 ઈંચ, વડોદરામાં 1.5 ઈંચ, કુકરમુંડામાં 1.4 ઈંચ, સોનગઢમાં 1.3 ઈંચ, જાંબુઘોડામાં 1.25 ઈંચ, સાવલીમાં 1.25 ઈંચ, સુબીરમાં 1.1 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત જેતપુર પાવી, વાઘોડિયા, હાલોલ અને નિઝરમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ અન્ય 84 તાલુકામાં સામાન્યથી એક ઈંચ વરસાદ ખાબક્યો હતો.