163 તાલુકામાં મેઘો મહેરબાન: ભાવનગરમાં 10 ઇંચથી વધુ વરસાદ; આવતીકાલે જુનાગઢ-ગીર સોમનાથમાં રેડ એલર્ટ

અમદાવાદ: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને પગલે આજે સમગ્ર રાજ્યમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. મેઘરાજાએ પહેલા જ વરસાદમાં સૌરાષ્ટ્રને ધમરોળ્યું હતું. આજે રાતે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 163 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. આજે સૌથી વધુ વરસાદ ભાવનગર જિલ્લામાં નોંધાયો છે. ભાવનગરના જેસરમાં 10.12 ઇંચ, પાલીતાણામાં 9.72 ઇંચ, સિહોરમાં 9.61 ઇંચ અને મહુવામાં 8.54 ઇંચ વરસાદ પડ્યો હતો.
રાજુલાનો ધાતરવડી ડેમ ઓવરફ્લો
આજે મેઘરાજાએ અમરેલી જિલ્લાને પણ બાનમાં લીધું હતું. અમરેલીના સાવર કુંડલામા 8.27 ઇંચ, રાજુલામાં 7.2 ઇંચ, અમરેલીમાં 5.24 ઇંચ વરસાદ પડ્યો હતો. રાજુલા પંથકમાં પડેલા વરસાદને કારણે ધાતરવડી ડેમ ઓવરફ્લો થયો હતો. ગારીયાધારમાં 4.8 ઇંચ, ઉમરાળામાં 4.76 ઇંચ, લીલીયામાં 4.72 ઇંચ, તળાજામાં 4.37 ઇંચ, ખાંભામાં 3.86 ઇંચ, જુનાગઢમાં 3.15 ઇંચ, વલ્લભીપુરમાં 3.07 ઇંચ, જેતપુરમાં 2.32 ઇંચ, ઉનામાં 2.13 ઇંચ અને 2.01 ઇંચ વરસાદ પડ્યો હતો.
18 તાલુકાઓમાં 2 ઇંચથી 10 ઇંચ સુધીનો વરસાદ
આજે રાજ્યના 18 તાલુકાઓમાં 2 ઇંચથી લઈને 10 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લામાં નોંધાયો હતો. ભાવનગર જિલ્લામાં વરસેલા ભારે વરસાદથી આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાણી હતી. બુઢણાથી પાલિતાણાને જોડતા કોઝવેની રેલિંગ ધોવાઈ ગઈ હતી. આ ઉપરાંત, પાલીતાણા, મહુવા અને વલ્લભીપુરમાં પણ વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી હતી. નદીઓ બે કાંઠે વહેતી થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અમરેલીના સાવર કુંડલાની નાવલી નદી, ઘોબા ગામ નજીક ફલકું નદી, મેરામણ નદી અને ગાધકડા, ડુંગર ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. સાવરકુંડલાના જાબાળ ગામે સૂરજ વડી નદી બે કાંઠે વહેવા લાગી હતી. સૂરજ વડી નદી કાંઠે આવેલું હનુમાનજીનું મંદિર પણ પાણીમાં ગરકાવ થયું હતું.
જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં રેડ એલર્ટ
આ દરમિયાન હવામાન વિભાગે આવતીકાલે સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, ભાવનગર, અમરેલી, રાજકોટ અને પોરબંદર જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર, ડાંગ, તાપી, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર અને આણંદ જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.