ગુજરાતમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે 158 તાલુકામાં વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે. રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 158 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. બે તાલુકામાં ચાર ઈંચથી વધારે, 11 તાલુકામાં ત્રણ ઈંચથી વધારે, 14 તાલુકામાં 2 ઈંચથી વધારે વરસાદ વરસ્યો હતો. 23 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.
ક્યાં કેટલો પડ્યો વરસાદ
દ્વારકામાં 4.45 ઈંચ, કપરાડામાં 4.13 ઈંચ, કલ્યાણપુરમાં 3.82 ઈંચ, જેતપુર પાવીમાં 3.62 ઈંચ, ધરમપુરમાં 3.54 ઈંચ, વ્યારામાં 3.46 ઈંચ, વાંસદામાં 3.43 ઈંચ, ડાંગ-આહવામાં 3.31 ઈંચ, વઘઈમાં 3.27 ઈંચ, ડેડીયાપાડામાં 3.23 ઈંચ, વાપીમાં 3.15 ઈંચ, સોનગઢમાં 3.15 ઈંચ અને ડોલવણમાં 3.11 ઈંચ વરસાદ વરસ્યો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં સવારથી 76 તાલુકામાં થઈ મેઘ મહેર, જાણો તમારા તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો
અમદાવાદમાં સૌથી વધારે વરસાદ નિકોલ, ઓઢવ, વિરાટનગર, કઠવાડા, જશોદાનગર, સીટીએમ સહિતના વિસ્તારોમાં પડ્યો હતો. નિકોલ વિસ્તારમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડતાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદી પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કચ્છના નખત્રાણામાં ખોમ્ભડીની નદીમાં 20 ગાય તણાઈ હતી તેમજ કચ્છના ગ્રામ્ય વિસ્તારમાં બજારોમાં કેડસમા પાણી ભરાયાં હતાં. આ ઉપરાંત બોટાદનું વહિયા ગામ સંપર્કવિહોણું બન્યું હતું. વડોદરામાં પણ વરસાદના પગલે માર્ગો નદીઓમાં ફેરવાઇ ગયા હતા.
હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, સૌરાષ્ટ્ર અને કચ્છ પર વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેથી ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.