ગુજરાતમાં સરેરાશ 7.5 ઈંચ વરસાદ નોંધાયો, છતાં સૌરાષ્ટ્રમાં 15 ડેમ હજુ ખાલી

અમદાવાદઃ ચોમાસાની અત્યાર સુધીની સિઝનમાં ગુજરાતમાં સરેરાશ 7.25 ઈંચ (178 મી.મી.) વરસાદ નોંધાયો છે. રાજ્યના કૂલ 207 જળાશયોમાં અત્યાર સુધી 38.41 ટકા જળસંગ્રહ થયો છે. સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં સરેરાશ 8.50 ઈંચ વરસાદ નોંધાયો છે અને જળસંગ્રહ 13 ટકાથી વધીને 23.52 ટકા થયો છે અને 10 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે, તેમ છતાં હજુ 15 ડેમો ખાલી પડ્યા છે.
ગુજરાતની જીવાદોરી સમાનસરદાર સરોવરમાં જળસંગ્રહ વરસાદના પ્રથમ રાઉન્ડમાં હાલ 50.13 ટકા થયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં ચોથી જુલાઈની સ્થિતિએ 25.63 ટકા, મધ્ય ગુજરાતના ડેમોમાં 41.61 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 32.76 ટકા સાથે એક ટકાની વધઘટ સાથે જળસંગ્રહ દસ દિવસમાં યથાવત્ રહ્યો છે. પરંતુ, સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 26મી જૂને માત્ર 13.22 ટકા (12,408 એમસીએફટી) પાણી સંગ્રહાયેલુ હતું તે સામે 4થી જૂલાઈએ સ્ટોરેજ વધીને 23.52 ટકા (22,076 એમસીએફટી) થયું છે. એટલે કે આશરે 10 દિવસમાં 10 ટકા એટલે કે 10,000 એમ.સી.એફટી.નો વધારો થયો છે. જે ગત વર્ષ કરતા ઓછુ છે.
ગત વર્ષે સૌરાષ્ટ્રના ડેમોમાં જળસંગ્રહ 44383 એમસીએફટી સંગ્રહ હતો તેમાં આ વખતે 22,226 એમ.સી.એફટી. પાણી ઓછું છે. ગુજરાતના 13 જળાશયો હાલ એલર્ટ ઉપર છે જેમાં 70 ટકાથી 100 ટકા પાણી સંગ્રહિત થયું છે જેમાં એકમાત્ર મહીસાગરના બાલાસિનોરના વણાંકબોરી ડેમને બાદ કરતા તમામ 12 ડેમો સૌરાષ્ટ્રના છે. આમ, છતાં સૌરાષ્ટ્રમાં હાલ બીજી તરફ, ત્રિવેણી ઠાંકા, હમીરપરા, ગોંડલી, ઉંડ-2, લીમડી ભોગાવો-1, ફુલઝર, નિંભણી, સાની, કમુકી, કબીર સરોવર સહિતના 15 ડેમો ખાલી છે.