ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ: 27 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી, 114 તાલુકામાં મેઘમહેર...
આપણું ગુજરાત

ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ: 27 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી, 114 તાલુકામાં મેઘમહેર…

અમદાવાદઃ ગુજરાતમાં રવિવારની રાતથી અનેક તાલુકા-જિલ્લાને સમાવી લેતા નવા રાઉન્ડથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, જેથી ખેડૂતોને પણ રાહતનો શ્વાસ લીધો છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 27 જુલાઈ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરી હતી. આગામી 4 દિવસ એટલે કે 25 જુલાઈ સુધી રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેશે. જ્યારે 26-27 જુલાઈના રોજ 15 થી વધુ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ હતું.

એક તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે, સવારે 6 થી સાંજે 6 કલાક સુધીમાં રાજ્યમાં 114 તાલુકામાં મેઘમહેર થઈ હતી. ખેડાના કપડવંજમાં સૌથી 4.76 ઈંચ વરસાદ વરસ્યો હતો. તળાજામાં 2.95 ઈંચ, તલોદમાં 2.68 ઈંચ, વિસનગરમાં 1.93 ઈંચ, બાલાસિનોરમાં 1.30 ઈંચ, ઘોઘામાં 1.26 ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં એક તાલુકામાં ચાર ઈંચથી વધારે, બે તાલુકામાં બે ઈંચથી વધારે, નવ તાલુકામાં એક ઈંચથી વધારે અને 102 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હતો.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં બાવન ટકા વરસાદ
ગુજરાતમાં અત્યાર સુધીમાં ચાલુ વર્ષે મોસમનો કુલ સરેરાશ વરસાદ ૫૩.૩૯ ટકા નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ રીઝીયનમાં ૬૩.૩૫ ટકા ત્યાર બાદ દક્ષિણ ગુજરાત રિજિયનમાં ૫૬.૩૨ ટકા, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ૫૨ ટકાથી વધુ અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૫૦.૦૬ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

કટોકટીને પહોંચી વળવા પ્રશાસન એલર્ટ
ચોમાસાની કોઇ પણ સંભવિત કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગોતરા આયોજનના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા એનડીઆરએફની ૧૨ ટુકડીઓ અને એસડીઆરએફની ૨૦ ટુકડીઓ વિવિધ જિલ્લાઓમાં ડીપ્લોય કરવામાં આવી છે. જ્યારે એનડીઆરએફની વધુ ૩ ટુકડીઓને રિઝર્વ રાખવામાં આવી છે. આ ઉપરાંત એસડીઆરએફની ૨૦ ટીમ સિવાય ૧૩ ટીમને હેડ ક્વાર્ટર ખાતે રિઝર્વ મુકવામાં આવી છે.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button