Gujarat માં આજે સાર્વત્રિક વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)આજે સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી છે.આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર સહિત આસપાસના જિલ્લાઓમાં પણ આજે ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
આજે ગાજવીજ સાથે વરસાદની સંભાવના
હવામાન વિભાગ દ્વારા આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે મહીસાગર જિલ્લામાં છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે.
રવિવારથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટશે
રવિવારથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટી જશે પરંતુ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે. હાલ બંગાળની ખાડીમાં કોઈ મોટી સિસ્ટમ સર્જાઈ રહી નથી, એટલે કે લૉ-પ્રેશર એરિયા સર્જાય અને તે ગુજરાત તરફ આગળ વધે તેવી સંભાવના નથી. જેથી આગામી એક અઠવાડિયા સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની કોઈ શક્યતા દેખાતી નથી.