ઠંડીના માહોલ વચ્ચે ગુજરાતના આ જિલ્લાઓમાં પડ્યો વરસાદ

અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજથી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. એ મુજબ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. શિયાળાની ફૂલગુલાબી ઠંડી વચ્ચે વાતાવરણમાં માવઠાની અસર જોવા મળતા લોકોને બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે.
આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો, સુરતના ગ્રામ્ય વિસ્તારો, અંકલેશ્વર વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યો હતો. ખેડૂતો પણ માવઠાને કારણે ચિંતામાં મુકાયા છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલને કારણે રાજકોટ સહિતના માર્કેટયાર્ડોમાં મરચા, ડુંગળી, મગફળી વગેરે જેવી પાકની આવક લેવાનું બંધ કરવામાં આવ્યું છે. કેટલાક ખેડૂતો ડાંગરની કાપણી કરીને મંડળી સુધી પહોંચાડવાની તૈયારીમાં હતા અને વાતાવરણમાં પલટો આવ્યો હતો.
રાજ્યમાં હજુ પણ માવઠાની અસર 4-5 દિવસ રહેશે. 26 અને 27 નવેમ્બરે બનાસકાંઠા, પાટણ, નવસારી, ડાંગ, વલસાડ, મોરબી, રાજકોટ અને જૂનાગઢ, ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતાઓ છે. આ દરમિયાન તાપમાનમાં આંશિક વધારો જોવા મળશે. ત્યારબાદ 3થી 5 ડિગ્રીનો વધારો થશે.