વરસાદને વાપી-વલસાડ પર જ વ્હાલ, વાપીમાં ચાર કલાકમાં બે ઈંચ
અમદાવાદઃ આખા દેશ સહિત ગુજરાતમાં વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી છે. અહીં માત્ર દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં મેઘમહેર થઈ છે. સૌરષ્ટ્રના અમુક વિસ્તારોમાં એકાદવાર અમીછાંટણા થયા છે. ગઈકાલે ભાવનગરમાં ત્રણેક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ખેડૂતો સહિત સૌ કોઈ રાહ જોઈને બેઠા છે. ત્યારે આજનો દિવસ પણ લગભગ કોરો જ ગયો છે.
શનિવારે સવારના છ વાગ્યાથી 10 વાગ્યા સુધીના ચાર કલાકમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના વાપીમાં સૌથી વધુ પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 30 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ભાવનગર જિલ્લામાં પોણાબે ઇંચ ખાબક્યો છે.
વલસાડ જિલ્લાના વાતાવરણમા પલટો આવ્યો હતો. વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો, સવારે છ વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં વાપીમાં 43 મિમી, વલસાડમાં 36 મિમી, કપરાડામાં 18 મિમી, પારડીમાં 12 મિમી, ધરમપુમાં 7 મિમી, સુરતના ચોરાસીમાં ત્રણ મિમી અને ડાંગના વઘઇમાં બે મિમી વરસાદ નોંધાયો છે. વહેલી સવારે વરસાદ શરૂ થતા નોકરી પર જતા-આવતા લોકોને હાલાકી પડી હતી. તો બીજી તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરતાં લોકોએ રાહત પણ મેળવી છે.
દરમિયાન ગઈકાલે શુક્રવારે ગુજરાતમાં 30 જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ ભાવનગર જિલ્લામાં સાડા ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં વલ્લભીપુરમાં 37 મીમી, ઉમરાળામાં 19 મીમી, ભાવનગર શહેરમાં 14 મીમી, જેસર અને સિહોરમાં સાત-સાત મીમી, ઘોઘામાં ચાર મીમી, પાલિતાણામાં ત્રણ મીમી અને તળાજામાં બે મીમી જેટલો વરસાદ ખાબક્યો હતો. ભાવનગર શહેરમાં દિવસભર આકરી ગરમી અને બફારા બાદ રાત્રે આઠ વાગ્યા આસપાસ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. ગણતરીની મિનિટોમાં જ શહેરના રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. પવન સાથે વરસાદ વરસતાં લોકોએ દિવસભરની ગરમી બાદ રાત્રે ઠંડક અનુભવી હતી.