આપણું ગુજરાત

ગુજરાતમાં વરસાદ વિરામ લેતો નથીઃ ગઈકાલ રાતથી અવિરત વરસે છે, જાણો આંકડા

અમદાવાદઃ ગુજરાતમાં માત્ર બે દિવસ જરાક પોરો ખાધા બાદ મેઘરાજા ફરી કામે લાગ્યા છે અને દક્ષિણ ગુજરાતને બાનમાં લીધું છે. સોમવારથી જ અહીં વરસાદે મંડાણ કર્યા છે અને ચોમેર ફરી પાણી જ પાણી દેખાય છે. આજે સવારે 6 વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં ઘણા વિસ્તારોમાં બેથી છ ઈંચ સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, સુરતના 153 રસ્તા બંધ કરવામાં આવ્યા છે.

છેલ્લા 24 કલાકનો વરસાદ
ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં મંગળવારે સવારે છ વાગે પુરા થતા છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરી છે. ભરૂચના વાલિયામાં 11.7 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત સોનગઢમાં 10 ઈંચ, વ્યારામાં નવ ઈંચ, માંગરોળમાં 7.6 ઈંચ, વઘઈમાં 7.6 ઈંચ, ભરૂચમાં 7.2 ઈંચ, તિલકવાડામાં સાત ઈંચ, ઉચ્છલમાં 6.9 ઈંચ, ડોલવણમાં 6.7 ઈંચ, નડિયાદમાં 6.7 ઈંચ, વાંસદામાં 6.5 ઈંચ અને સુબીરમાં 6.5 ઈંચ વરસાદ નોંધાયો હતો.

દક્ષિણ ગુજરાતમાં 153 રસ્તા બંધ
તાપી જિલ્લામાં સોમવારી અમાસ ભારે વરસાદ લઈને આવતા વહેલી સવારથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સવારથી સાંજના ચાર વાગ્યે પુરા થતા 10 કલાકમાં વ્યારા અને સોનગઢમાં આઠ ઇંચ, ઉચ્છલમાં 6.7 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદ સાથે તાપી જિલ્લાના બોર્ડરને અડીને આવેલા ડાંગ જિલ્લાના વનક્ષેત્રમાં આભ ફાટતા ડોલવણ, વ્યારા અને વાલોડ તાલુકામાંથી પસાર થતી નદીઓ ગાંડીતૂર બની હતી. અનેક ગામોમાં ઘરોમાં પાણી ભરાયા હતા. જિલ્લાના 101 રસ્તા બંધ કરાયા હતા.

એનડીઆરએફની ટીમે 350થી વધુ લોકોને રેસ્ક્યુ કર્યા હતા.
નવસારી જિલ્લાનાં ઉપરવાસમાં આવેલા આહવા-ડાંગ અને સાપુતારામાં ધોધમાર વરસાદ ખાબકતાં અંબિકા-પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવ્યા છે. અંબિકા નદીના ઘોડાપૂરમાં એક ટ્રક સાથે 10 શ્રમજીવી ફસાયા હતા. જેમને સલામત બહાર કાઢી લેવાયા હતા. જિલ્લામાં કુલ 22 માર્ગ બંધ થયા હતા. સુરત જિલ્લા અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના 16 રસ્તા ઉપર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. ચીખલીના બારોલીયા ગામે ચક્રવાતમાં 8થી 10 ઘરના પતરા અને આખા શેડ ઉડી ગયા હતા.

આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ભરૂચ અને સુરતમાં અતિથી અતિભારે વરસાદની શક્યતા છે. તેમજ બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

Also Read –

Show More

Related Articles

Back to top button
શું નાળિયેરનું સેવન રોજ કરવું જોઈએ? દીપિકા અને રણવીર સિંહે લોકોની કરી બોલતી બંધ! ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસના સૌથી યુવા કપ્તાનોની યાદી આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ