ગુજરાતમાં શ્રાવણની શરૂઆત વરસાદી, સર્વત્ર વાદળછાયું વાતાવરણ

અમદાવાદઃ ગુજરાતમાં બે-ત્રણ દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે. સોમવારે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસાવ્યો હતો. ત્યારે હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં બે દિવસ ગાજવીજ સાથે વરસાદની અગાહી કરી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 168 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આણંદ અને કપરાડા તાલુકામાં એક ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. ત્યારે રાજ્યમાં અન્ય તાલુકામાં નોંધ પાત્ર વરસાદ ખાબક્યો છે. રાજ્ય માં અત્યાર સુધીમાં 597.82 મિમી એટલે કે 68 ટકા વરસાદ નોંધાયો છે.
હવામનની અગાહી પ્રમાણે રાજ્યમાં આજે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, સુરત, તાપી, દમણ અને દાદરાનગરમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે વેધર મેપ પ્રમાણે સાતમી ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને રાજકોટમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
આ ઉપરાંત 8મી અને 9મી ઓગસ્ટના દિવસે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગરમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, વડોદરા, પંમચહાલ, દાહોદ, મહીસાગર, ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
છેલ્લા 24 કલાકના અન્ય તાલુકાના વરસાદના આંકડા
રાજ્યના આણંદ તાલુકામાં 1.45 ઈંચ, કપરાડામાં 1.22 ઈંચ, કરજણ અને બોરસદમાં 21-21 મીમી, ડાંગ-આહ્વામાં 19 મીમી, જેતપુર પાવી, અમીરગઢ, દાંતા અને વડાલીમાં 18-18 મીમી, ઉમરગાંવ અને ગોધરામાં 17-17 મીમી, સાવલીમાં 16 મીમી, સાંતલપુર અને પોશીનામાં 15-15 મીમી, આંકલાવ, છોટા ઉદેપુર, સિદ્ધપુર અને વિજયનગરમાં 14-14 મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે જ રાજ્યના કુલ 150 તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો છે. સોમવારે અમદાવાદ શહેરમાં થોડાથોડા સમયે વરસાદી ઝાપટાં થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.