ગુજરાતમાં હિસ્ટ્રીશીટરોના ઘરે વહેલી સવારે પોલીસ ત્રાટકી, રાજ્યભરમાં 350 સ્થળોએ દરોડા
અમદાવાદઃ ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ અધિકારી, કર્મચારીઓની ટીમ દ્વારા હિસ્ટ્રીશીટર ગુનેગારોના ઘરે વહેલી સવારે દરોડા પાડવામાં આવ્યા હતા. અલગ અલગ 24 ટીમો બનાવી આરોપીઓના ઘરે પોલીસ ત્રાટકી હતી. રાજ્યભરમાં 350 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. રાજ્યના ડીજીની સૂચનાથી પોલીસ દ્વારા એક સાથે ઓપરેશન કરવામાં આવ્યું હતું.
મહેસાણામાં આઈટીના દરોડા
ગુજરાતમાં BZ ગ્રુપના કૌભાંડના માહોલ વચ્ચે મહેસાણામાં રાધે, ટ્રોગોન અને ધરતી ગ્રુપની ઓફિસમાં ઈનકમ ટેક્સ વિભાગના દરોડા પાડ્યા હતા. મહેસાણામાં ડી-માર્ટ સર્કલ પાસે આવેલ રાધે, ટ્રોગન અને માનવ આશ્રમ નજીક આવેલ ધરતી ગ્રુપની ઓફિસમાં IT ટીમોએ તપાસ શરૂ કરી હતી.
ટ્રોગન 2 કોમ્પલેક્ષ સ્કીમ રાધે ગ્રુપની છે. ત્યારે ટ્રોગન ગ્રુપ અને રાધે ગ્રુપની ઓફિસમાં અધિકારીઓની તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. IT વિભાગના અધિકારીઓએ બંધ બારણે તપાસ શરૂ કરી હતી. સૂત્રોની માહિતી મુજબ તપાસમાં મોટી માત્રામાં વાંધાજનક દસ્તાવેજો, ડિજિટલ ડિવાઇસ અને કાચી ચિઠ્ઠીઓ મળી આવી હતી. દરોડા દરમિયાન SRP બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.