રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન પર પાટીલના કોંગ્રેસ પર પ્રહારઃ શક્તિસિંહ ગોહિલે પ્રત્યુતરમાં બતાવ્યો નરેન્દ્ર મોદીનો વીડિયો
ગાંધીનગર: લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જેમાં ગુજરાતની 25 બેઠકો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ભાજપે જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે. તો બીજી તરફ પક્ષ-વિપક્ષ એકબીજા પર આકારા પ્રહારો કરી રહ્યાં છે.
હાલ પરસોત્તમ રૂપાલાનો વિવાદ વચ્ચે હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ પણ રાજા-મહારાજાઓને લઈ એક વિવાદિત નિવેદન આપ્યું છે. જેને લઈ હવે સી આર પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા તો શક્તિસિંહ ગોહિલે પણ આ અંગે નિવેદન આપ્યું છે.
રાહુલ ગાંધીના નિવેદન અંગે સી. આર. પાટીલે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસની મથરાવટી મેલી છે. રાજા મહારાજાઓ અંગે કરાયેલી ટીપ્પણી કોંગ્રેસેની માનસિકતા ઉજાગર કરે છે. આ સાથે તેમણે કહ્યું કે, રાજા મહારાજાઓને કોંગ્રેસના શાસનમાં જે અનુભવો થયા છે તેનાથી તેઓ કોંગ્રેસથી દૂર થયા છે.
પાટીલે ઉમેર્યું કે, કોંગ્રેસ દેશની સંપતિ લઘુમતીઓને વેચી દેવાની વાતો કરે છે, ભાજપ આવા કરતૂતોને નહીં ચલાવે. આ સાથે તમને પ્રહાર કરતાં કહ્યું કે, રાજાઓની સંપતિ લઈ લેવાનું કામ કોંગ્રેસ વર્ષોથી કરતી આવી છે.
રાહુલ ગાંધીના નિવેદનને લઈ સીઆર પાટીલના આક્ષેપ બાદ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ પલટવાર કર્યો છે. શક્તિસિંહે કહ્યું કે, ભાજપે રાજપૂતોમાં ભાગલા પડાવ્યા, દિકરીઓનું અપમાન કર્યું. આ સાથે તેમણે કહ્યું કે, ભાજપે રૂપાલાના વિવાદમાં જે અહંકાર કર્યો જેમાં મહત્વનો રોલ ભાજપ અધ્યક્ષનો રહ્યો. આ એજ કોંગ્રેસ પાર્ટી છે જે એકતા કરવાનું કામ કર્યું છે. આ સાથે તેમણે વડા પ્રધાન મોદીનો વિડીયો બતાવતા કહ્યું હતું કે વડા પ્રધાને સંસદમાં કહ્યું હતું કે ‘દેશને લૂંટવવાળાઓનો રાજા-રજવાડાઓ સાથે અનેરો સબંધ હતો.’
તેમણે કહ્યું હતું કે, “1857નો બળવો જોવા જઈએ તો અનેક મહારાજા જેલમાં ગયા હતા. ગોહિલે કહ્યું કે, રાજા મહારાજા અંગે ભાજપ ખુલાસો કરે, રાજા મહારાજા એક જ્ઞાતિના નહોતા, રાજા મહારાજા અનેક જ્ઞાતિના રજવાડાઓ હતા, ભીલ અને આદિવાસી જ્ઞાતિના હતા. રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપ રાજનીતિ કરવા નીકળી છે.
ભાજપના ઉમેદવારે સમગ્ર દેશમાં મા-દીકરીઓનું અપમાન કર્યું છે, તેથી દરેક જ્ઞાતીના લોકોમાં રોષ છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી પર ખોટી વાતો અને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે, ભાજપ વિરુદ્ધ આક્રોશ ફેલાયો છે, જેથી ભાજપ ખોટી અફવાઓ અને ભ્રમ ફેલાવવાનું કામ ન કરે.”