રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો ગુજરાતમાં પ્રવેશ આજથી દાહોદ બસ સ્ટેન્ડથી પદયાત્રા શરૂ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનું ગુરૂવારે દાહોદ જિલ્લાના ઝાલોદમાં આગમન થયું હતું. ન્યાય યાત્રા રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશી હતી. રાહુલ ગાંધીએ જાહેર સભાને સંબોધી હતી જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા છે. ભારત જોડો ન્યાય યાત્રા સાત જિલ્લામાં ફરશે. જ્યારે તા.૮મી માર્ચે, દાહોદ બસ સ્ટેન્ડથી પદયાત્રા શરૂ થશે. ગુજરાતમાં એક બાદ એક કૉંગ્રેસના નેતાઓ,ધારાસભ્યો પક્ષને અલવિદા કહી રહ્યા છે, બીજી તરફ ન્યાય યાત્રામાં વ્યસ્ત રાહુલ ગાંધી આખરે ગુજરાતમાં ન્યાય યાત્રા થકી ચાર દિવસ પસાર કરશે. જેમાં રાહુલ ગાંધી સાત જિલ્લાઓમાં ૪૦૦ કિલોમીટરથી વધુ પ્રવાસ કરશે. જેમાં રાહુલ ગાંધી ન્યાય યાત્રા થકી દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત,નર્મદા અને તાપી જિલ્લાનો પ્રવાસ ખેડશે.
રાહુલ ગાંધી શુક્રવારે એટલે કે તા.૮મી માર્ચે ન્યાય યાત્રા દાહોદથી પંચમહાલ જિલ્લામાં રાહુલ ગાંધી પાવાગઢવાળી મા કાલિકાના દર્શન કરી ન્યાય યાત્રા કરશે. જ્યારે ૯મી માર્ચે કૉંગ્રેસની ન્યાય યાત્રા છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ જિલ્લાનો પ્રવાસ કરશે અને તા.૧૦મી માર્ચ એટલે કે ગુજરાતમાં ન્યાય યાત્રાનો છેલ્લો દિવસ સુરત અને તાપી જિલ્લામાં પસાર થશે. આ દરમિયાન કુલ છ જંગી જાહેર સભાને રાહુલ ગાંધી સંબોધિત કરશે. રાહુલ ગાંધી ગુજરાતના જે સાત જિલ્લાઓમાં ન્યાય યાત્રા કરી રહ્યા છે, ત્યાં મોટા પ્રમાણમાં આદિવાસી મતદારો છે. એટલે કહી શકાય કે ન્યાય યાત્રાના માધ્યમથી ગુજરાતમાં આદિવાસી વોટ બેન્કને સાધવાનો પ્રયાસ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી કરી રહ્યા છે. ગુજરાત બાદ રાહુલ ગાંધીની ન્યાય યાત્રા મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે.