Rahul Gandhi શનિવારે ગુજરાતની મુલાકાતે, પથ્થરમારામાં ઇજાગ્રસ્ત કોંગ્રેસના કાર્યકરોને મળશે
અમદાવાદ : કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી( Rahul Gandhi) શનિવારે ગુજરાતની(Gujarat)મુલાકાતે આવવાના છે. તેઓ ભાજપ કોંગ્રેસના કાર્યકરોના ઘર્ષણમાં ઘાયલ થયેલા કોંગ્રેસના કાર્યકરો સાથે મુલાકાત કરવાના છે. જો કે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારાની ઘટના બાદ પ્રભારી મુકુલ વાસનિક આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. કોંગ્રેસ કાર્યાલય બહાર કરાયેલા પથ્થરમારાને વાસનિકે કાયરતાપૂર્ણ હુમલો ગણાવ્યો. વાસનિકે જણાવ્યુ કે લોકસભા ચૂંટણી બાદ ભાજપના કામ કરવામાં બદલાવ આવશે પરંતુ ભાજપની કાર્યપદ્ધતિમાં કોઈ બદલાવ થયો નથી. જ્યાંથી ગાંધીજીનો અહિંસાનો સંદેશ પુરી દુનિયામાં ગયો ત્યાં હિંસાની રાજનીતિ થઈ રહી છે.
કોંગ્રેસને દબાવવાનો પ્રયાસ
રાહુલ ગાંધીના ગુજરાત આવવા અંગે વાસનિકે જણાવ્યુ કે આજની બેઠકમાં રાહુલ ગાંધીના પ્રવાસની રૂપરેખા નક્કી થશે. વાસનિકે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા કે અમારા કાર્યાલય પર હુમલો કરનારાની ફરિયાદ લેવાઈ છે અને અમારી નથી લેવાઈ રહી. કોંગ્રેસની ફરિયાદ ન લેવી એ બાબત જ સ્પષ્ટ કરે છે કે સત્તાપક્ષ સાથ આપી રહ્યો છે. સત્તાધારી દળ કોંગ્રેસને દબાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
સમગ્ર રાજ્યના કાર્યકરોને 6 જુલાઈના રોજ અમદાવાદ આવવા અપીલ
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શકિતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કોંગ્રેસ કાર્યાલયની બહાર થયેલી અથડામણના કેસમાં પોલીસે એકતરફી કાર્યવાહી કરી છે. ગોહિલે સમગ્ર રાજ્યના કાર્યકરોને 6 જુલાઈના રોજ અમદાવાદ આવવા અપીલ કરી છે.