આપણું ગુજરાતરાજકોટસૌરાષ્ટ્ર

રાહુલ ગાંધી ફરી આવશે ગુજરાત : મોરબીથી શરૂ કરશે ન્યાય યાત્રા

ગાંધીનગર: કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવવાના છે. ઓગષ્ટ માસમાં રાહુલ ગાંધી કોંગ્રેસ દ્વારા આયોજિત થનાર ન્યાય યાત્રામાં હાજરી આપવાના છે. 1 થી 15મી ઓગષ્ટ સુધી રાજકોટ અગ્નિકાંડ, મોરબી પુલ દુર્ઘટના, હરણી દુર્ઘટના, તક્ષશિલા કાંડના પીડિતોને ન્યાય આપવા માટે કોંગ્રેસ ન્યાય યાત્રાનું આયોજન કરવાની છે.

હાલ લોકસભા ચૂંટણીમાં 99 બેઠકો સુધી પહોંચી ગયેલી કોંગ્રેસની સ્થિતિને લઈને રાહુલ ગાંધી ફરી એકવાર મોટા ગજાના નેતા તરીકે ઊભરી રહ્યા છે. કોંગ્રેસને 99 બેઠકો સુધી પહોંચાડી અને ભાજપના ગઢ ગુજરાતમાં એક બેઠક જીત્યા બાદ રાહુલ ગાંધીનું રાજકીય ચિત્રણ અલગ જ થઈ રહ્યું છે. ગુજરાતમાં એક બેઠક જીત્યા બાદ જાણે કોંગ્રેસ માટે ગુજરાત જ લક્ષ્ય હોય તેમ રાહુલ ગાંધીએ લોકસભાના પહેલા જ સત્રમાં ભાજપને તેના ગઢ ગુજરાતમાં જ હરાવવાનો પડકાર ફેંક્યો હતો.

તાજેતરમાં જ રાહુલ ગાંધી દ્વારા સંસદમાં આપવામાં આવેલ ભાષણ બાદ અમદાવાદમાં કોંગ્રેસના કાર્યાલય પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રાહુલ ગાંધીએ અમદાવાદની મુલાકાત લીધી હતી. તેમણે અગ્નિકાંડના પીડિતો સાથે પણ મુલાકાત કરી હતી. આ બાદ તેઓ ફરી એકવખત ગુજરાત આવવાના છે.

આગામી 1 ઓગષ્ટથી રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવવાના છે અને આ વખતે તેઓ મોરબી ખાતેથી ન્યાય યાત્રા પણ કાઢવાના છે. મોરબીથી ન્યાયયાત્રાની શરૂઆત કરવામાં આવશે ત્યારબાદ ટંકારા, રાજકોટ, વિરમગામ, સાણંદ થઈને 15મી ઓગસ્ટે અમદાવાદ પહોંચશે અને ત્યાં ધ્વજવંદનનો કાર્યક્રમ થશે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ દરમિયાન તેઓ દુર્ઘટનાઓના પીડિતોને મળશે અને તેમને ન્યાય આપવાની માંગ કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button