Rahul Gandhi એ રાજકોટ અગ્નિકાંડ પીડિતના પરિવાર સાથે વિડીયો કોન્ફરન્સથી વાતચીત કરી, આશ્વાસન આપ્યું

અમદાવાદ : ગુજરાતના રાજકોટમાં (Rajkot)સર્જાયેલા અગ્નિકાંડ મામલે તપાસને લઇને કોંગ્રેસ આક્રમક જોવા મળી રહી છે. કોંગ્રેસ નેતાઓ સતત જવાબદારો વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી રહ્યા છે. તેમજ 25 જૂનના રોજ કોંગ્રેસે રાજકોટ બંધનું એલાન પણ આપ્યું છે. તેવા સમયે કોંગ્રેસના સાંસદ અને નેતા રાહુલ ગાંધીએ(Rahul Gandhi) વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અગ્નિકાંડના પીડિત પરિવાર સાથે વાતચીત કરી હતી.આ પીડિત પરિવારને રાહુલ ગાંધીએ સાંભળ્યા હતા અને આશ્વાસન આપ્યું હતું. રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતા પાસેથી પણ સમગ્ર ઘટના અને કામગીરીની માહિતી મેળવી હતી.
જવાબદાર નેતાઓને હજુ સુધી પકડવામાં આવ્યા નથી
રાજકોટ અગ્નિ કાંડ મામલામાં નાના અધિકારીઓ સામે કેસ કરવામાં આવ્યા છે. જ્યારે મોટા અધિકારીઓ અને જવાબદાર નેતાઓને હજુ સુધી પકડવામાં આવ્યા નથી તેવો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. જ્યારે ગુજરાત હાઇકોર્ટે પણ આ મુદ્દે સરકારને જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા તાકીદ કરી છે. ત્યારે આ મુદ્દે કોંગ્રેસ આક્રમક છે અને 25 જૂનના રોજ રાજકોટ બંધનું એલાન કર્યું છે. તેમજ તેમાં વધુમાં વધુ લોકો જોડાય તે માટેના પ્રયાસ કરી રહ્યું છે.
25 જૂનના રોજ બંધનું એલાન
તેમજ અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળે એ માટે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના સાથીઓ એક જવાબદાર નાગરિક તરીકે રાત દિવસ એક કરી લોકોને વિનંતી કરી રહ્યા છે. તેમજ કહી રહ્યા છે જો તમે રાજકોટ અને આપણા ગુજરાતમાં ફરી આવી ઘટના ન બને એવું ઈચ્છતા હોઈ તો 25 જૂનના બંધને જરૂર સફળ બનાવશો