રાહુલ ગાંધી આવતીકાલથી ગુજરાતમાંઃ આમ આદમી પાર્ટી સાથે નહીં લડે ચૂંટણી...

રાહુલ ગાંધી આવતીકાલથી ગુજરાતમાંઃ આમ આદમી પાર્ટી સાથે નહીં લડે ચૂંટણી…

અમદાવાદઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 26થી 28 જુલાઈ દરમિયાન ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પાલિકા-પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (આપ) સાથે ગઠબંધન નહીં કરવામાં આવે તેવી જાહેરાત કરી હતી.

અમિત ચાવડાએ કહ્યું હતું કે કોંગ્રેસ સ્થાનિક ચૂંટણી લડવા સક્ષમ છે. પોતાના બળ પર અને પોતાના સિમ્બોલ પર ચૂંટણી લડશે. લોકસભા ચૂંટણીમાં ગઠબંધન હતું, પરંતુ તે બાદ નથી કર્યું. જેલમાંથી જામીન મેળવવાની રાજનીતિ હોય કે હરિયાણાની ચૂંટણી બાદની સ્થિતિ પછી સાથે લડવાનો નિર્ણય લેવાયો નથી. આગામી સમયગાળામાં 2027નો રોડ મેપ પણ નક્કી કરવામાં આવશે. ઉપરાંત, રાહુલ ગાંધી શિબિરનું ઉદ્ધાટન કરશે તેમ જ માર્ગદર્શન પણ આપશે. ત્રણ દિવસની તાલીમ શિબિરમાં જિલ્લા પ્રમુખો સાથે સમય વિતાવશે તેમ જ કોંગ્રેસની આગામી વર્ષોની વ્યૂહનીતિ નક્કી કરશે.

ગઈકાલે ઈફ્ફોના ચેરમેન દિલીપ સંઘાણીએ રાહુલ ગાંધીની મુલાકાતને લઈ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી જેટલી વખત ગુજરાતની મુલાકાત લેશે એટલો જ ભારતીય જનતા પાર્ટીને લાભ થશે. ક્યારે ક્યાં શું બોલવું તેની ખબર નથી. તેમના સલાહકાર જે લખીને આપે તે બોલે છે. લોકોની સુરક્ષા અને સલામતી કેવી રીતે આવશે તે અંગેની તેમને સમજ નથી. ગુજરાતીઓ તેમના ભાષણની મજા લેશે. રાહુલ ગાંધીએ અમિત ચાવડાની પસંદગી કરી છે તે બાબતે હું એટલું જ કહેવા માગું છું કે તેમણે જંગના ઘોડાની પસંદગી કરી છે કે લંગડા ઘોડાની તેનો જવાબ તો તેઓ જ આપી શકશે.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button