Bharat jodo nyay yatra: Rahul Gandhi આ તારીખે આવશે ગુજરાત

અમદાવાદઃ કૉંગ્રેસના સાંસદ અને હાલમાં ભારત જોડો ન્યાય યાત્રા પર નીકળેલા રાહુલ ગાંધી (Rahul Gandhi) ની યાત્રામાં ગુજરાત પણ સામેલ છે. અગાઉ ભારત જોડો યાત્રા સમયે ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોવા છતાં રાહુલ ગાંધીએ ગુજરાતમાં આવવાનું યોગ્ય સમજ્યું ન હતું ત્યારે હવે લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગુજરાતના દાહોદમાં આવશે. મળતી માહિતી અનુસાર સાતમી માર્ચે ગાંધી ગુજરાત આવે તેવી સંભાવના છે. આ માટે ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિક અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દાહોદ ખાતે રૂટનું નિરિક્ષણ કરવા જવાના છે. આવતીકાલે વાસનિક ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વાસનિક સિનિયર નેતાઓ સાથે બેઠક કરશે અને ત્યારબાદ રૂટનું નિરિક્ષણ કરવા જશે. ગુજરાતના આઠ જિલ્લામાંથી ભારત જોડો યાત્રા પસાર થવાની છે અને ત્યારબાદ મહારાષ્ટ્રમાં જઈ તેનું સમાપન થવાનું છે.
રાહુલની યાત્રા ચર્ચાનું કારણ બની છે. આ યાત્રા દરમિયાન કૉંગ્રેસના વડપણ હેઠળ બનેલા ઈન્ડિયા ગઠબંધનના ઘણા પક્ષોએ લોકસભાની ચૂંટણીમાં એકલા લડવાની જાહેરાત કરી દીધી છે. આ સાથે કૉંગ્રેસના મોટા નેતાઓ પક્ષ છોડીને પણ આ સમયગાળા દરમિયાન જ બીજા પક્ષમાં જતા રહ્યા છે. જોકે છેલ્લે થોડી રાહત કૉંગ્રેસને મળી છે. ઉત્તર પ્રદેશ અને ગુજરાત સહિત અમુક રાજ્યોમાં પ્રાદેશિક પક્ષો સાથે ગઠબંધન થયું છે, જે કૉંગ્રેસને ફાયદો કરાવી શકે છે.
જોકે હજુ રાહુલની યાત્રા બાકી છે આ દરમિયાન શું નવાજૂની ઘડે છે તે જોવાનું રહ્યું.